ભૂકંપ બાદ કોલંબિયાની મદદે ભારત, માનવતાવાદી સહાય પહોંચાડી
Live TV
-
કોલંબિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે માનવતાવાદી સહાય મોકલી છે. ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીની પ્રથમ 20 મેટ્રિક ટનની ગુરુવારે બોગોટા પહોંચી હતી અને સ્થાનિક અધિકારીઓને સોંપવામાં આવી હતી.
આ સહાયમાં દવાઓ અને તબીબી સાધનો, અસ્થાયી આશ્રય માટેની સામગ્રી, સ્વચ્છતા સામગ્રી તેમજ અન્ય જરૂરી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુસીબતના સમયમાં કોલંબિયાની જનતા સાથે ભારતની એકતા વ્યક્ત કરી હતી.
10 ઓગસ્ટે કોલંબિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ દેશના 15 વિભાગોમાં ભારે નુકસાન થયું છે. કોલંબિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના આંકડા મુજબ, ભૂકંપમાં 319 લોકોનાં મોત, 4,469 લોકો ઘાયલ અને 260 લોકો લાપતા થયા છે. આશરે 2.73 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.કોલંબિયાની સરકારે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં 30 દિવસ માટે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય કટોકટી જાહેર કરી છે. આ દરમિયાન ક્ષતિગ્રસ્ત મકાનો ઉપરાંત શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જરૂરી જાહેર માળખાનું પુનઃનિર્માણ કરવામાં આવશે.ભારતની આ સહાય કુદરતી આપત્તિના સમયે તાત્કાલિક મદદ પહોંચાડનાર જવાબદાર દેશ તરીકેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
