મનોહર પરિકરના નિધન ઉપર કેન્દ્ર સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનોહર પરિકરના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. પોતાના ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું છે કે ગોવાના મુખ્યમંત્રી પરિકરના નિધન અંગે જાણીને અત્યંત દુઃખ થયું. તેમણે બિમારીનો સહજતાથી મુકાબલો કર્યો. તેમનું સાર્વજનીક જીવન ઈમાનદારી અને સમર્પણનું પ્રતિક છે. તો ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુએ મનોહર પરિકરના નિધન ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ગોવાના મુખ્યમંત્રીના નિધનથી દુઃખ થયું છે. તેઓ દેશના સૌથી ઈમાનદાર નેતાઓમાંના એક હતાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિકરના નિધન ઉપર શોક વ્યક્ત કરતાં દેશ માટે કરેલ યોગદાનને યાદ કર્યું હતું. પીએમએ ટ્વીટ કરી કહ્યું હતું કે મનોહર પરિકર અદ્વિતીય નેતા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મનોહર પરિકરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યં હતું. કેન્દ્ર સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશની રાજધાનીની સાથે રાજ્યોની રાજધાનીમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. જ્યારે ગોવા રાજ્યમાં સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. પરિકરના નિધન બાદ રાજ્ય વિધાનસભા દળની બેઠક યોજાશે. પરિકરના નિધન માટે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક થશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ પરિકરના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ મનોહર પરિકરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મનોહર પરિકરના નિધન અંગે સંવેદના વ્યક્ત કરી હતી.
ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ રવિવારે સાંજે નિધન થયું હતું. જેને લઇને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીએ ઉંડી શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી અર્પી હતી. કોહલીએ જણાવ્યું હતું કે બહૂમુખી પ્રતિભા અને કુશળ રાજનિતિજ્ઞ એવા મનોહર પર્રિકર જીવંન પર્યંત રાષ્ટ્ર અને સમાજને સમર્પિત રહ્યા હતા. તેમણે કેન્દ્રીય સરંક્ષણ મંત્રી તરીકે પણ ઉલ્લેખનીય કામગીરી કરી હતી ઇશ્વર દિવંગતના આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે તેમજ પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પણ રાજ્યપાલ ઓ.પી કોહલીએ પ્રાર્થના કરી હતી.
તો અલગ અલગ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ મનોહર પારીકરનાં અંતિમ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મનોહર પરીકરને શ્રદ્ધાજંલી આપી હતી.
