મન કી બાત : પ્રધાનમંત્રીએ ઇસરોના પુર્વ વડા સ્વ. ડો કે કસ્તુરીરંજનને આપી શ્રધ્ધાંજલી
Live TV
-
વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અંતરીક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે. તેમના નેતૃત્વમાં ઈસરોને એક નવી તક મળી.આજે ભારત જે સેટેલાઈટસનો ઉપયોગ કરે છે, તેમાંના અનેક ડૉ. કસ્તુરીરંગનની દેખરેખમાં જ લોન્ચ કરવામાં આવ્યા હતા.
બે દિવસ પહેલાં આપણે દેશના મહાન વૈજ્ઞાનિક ડૉ. કે. કસ્તુરીરંગનને ગુમાવ્યા. જ્યારે પણ કસ્તુરીરંગનજી સાથે મુલાકાત થઈ ત્યારે અમે ભારતના યુવાનોની પ્રતિભા, આધુનિક શિક્ષણ, સ્પેસ સાયન્સ જેવા વિષયો પર ઘણી ચર્ચા કરતા. વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અંતરીક્ષ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે. તેમના નેતૃત્વમાં ઈસરોને એક નવી તક મળી. તેમના માર્ગદર્શનમાં જે સ્પેસ પ્રોગ્રામ આગળ વધ્યા, તેનાથી ભારતના પ્રયાસોને વૈશ્વિક માન્યતા મળી. આજે ભારત જે સેટેલાઈટસનો ઉપયોગ કરે છે, તેમાંના અનેક ડૉ. કસ્તુરીરંગનની દેખરેખમાં જ લોન્ચ કરવામાં આવ્યા હતા.
ડૉ કે કસ્તુરીરંગનના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યુ કે તેમના વ્યક્તિત્વની બીજી એક વાત પણ બહુ ખાસ હતી, જેનાથી યુવા પેઢી ઘણું શીખી શકે છે. તેમણે હંમેશાં ઈનોવેશનને મહત્વ આપ્યું. કંઈક નવું શીખવા, જાણવા અને નવું કરવાનો તેમનું વિઝન પ્રેરિત કરે તેવું છે. ડૉ. કે. કસ્તુરીરંગનજીએ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ ઘણી મહત્વની ભૂમિકા નિભાવી હતી. ડૉ. કસ્તુરીરંગન 21મી સદીની આધુનિક જરૂરિયાતો અનુસાર ભવિષ્યલક્ષી શિક્ષણનો વિચાર લઈને આવ્યા હતા. દેશની નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને હંમેશાં યાદ કરવામાં આવશે.
પીએમ એ વધુમાં ઉમેર્યુ હતુ કે આ જ મહિને એપ્રિલમાં આર્યભટ્ટ સેટેલાઈટના લોન્ચિંગના 50 વર્ષ પૂરા થયા છે. આજે જ્યારે આપણે પાછળ વળીને જોઈએ છીએ તો 50 વર્ષની આ યાત્રાને યાદ કરીએ તો લાગે છે કે આપણે કેટલું લાંબુ અંતર કાપ્યું છે. અંતરીક્ષમાં ભારતના સપનાંની આ ઉડાન એક સમયે માત્ર જુસ્સાથી શરૂ થઈ હતી. રાષ્ટ્ર માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવતા અમુક યુવા વૈજ્ઞાનિકો પાસે ન તો આજના જેવા આધુનિક સંસાધનો હતા, ન તો દુનિયાની ટેકનોલોજી સુધી ખાસ પહોંચ હતી. જો કંઈ હતું તો તે હતી પ્રતિભા, લગન, મહેનત અને દેશ માટે કંઈક કરી છુટવાનો જુસ્સો. બળદગાડામાં અને સાયકલો પર અત્યંત મહત્વના સાધનો જાતે લઈને જનારા આપણા વૈજ્ઞાનિકોની તસવીરો આપે પણ જોઈ હશે. એ જ લગન અને રાષ્ટ્ર સેવાની ભાવનાનું એ ફળ છે કે આજે આટલું બધું બદલાઈ ગયું છે.
વધુમાં તેમણે કહ્યુ કે આજે ભારત એક ગ્લોબલ સ્પેસ પાવર બની ચૂક્યું છે. આપણે એક સાથે 104 સેટેલાઈટ લોન્ચ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આપણે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા પહેલા દેશ બન્યા છીએ. ભારતે માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કર્યું છે અને આપણે આદિત્ય- L1 Mission દ્વારા સૂરજની ઘણી નજીક પહોંચી ગયા છીએ. આજે ભારત સમગ્ર દુનિયાનો સૌથી વધુ કોસ્ટ ઈફેક્ટિવ, પરંતુ સફળ સ્પેસ પ્રોગ્રામનું નેતૃત્વ કરી રહ્યું છે. દુનિયાના ઘણા દેશો પોતાના સેટેલાઈટ્સ અને સ્પેસ મિશન માટે ઈસરોની મદદ લે છે.
પીએમ મોદીએ કહ્યુ કે આપણે જ્યારે ઈસરો દ્વારા કોઈ સેટેલાઈટનું લોન્ચ જોઈએ છીએ તો આપણને ઘણું ગૌરવ થાય છે. આવી જ અનુભૂતિ મને ત્યારે થઈ જ્યારે હું 2014માં PSLV-C-23 ના લોન્ચિંગનો સાક્ષી બન્યો હતો. 2019માં ચંદ્રયાન-2 ના લેન્ડિંગ દરમિયાન પણ હું બેંગલુરુના ઈસરો સેન્ટરમાં હાજર હતો. તે સમયે ચંદ્રયાનને એવી અપેક્ષિત સફળતા નહોતી મળી, ત્યારે વૈજ્ઞાનિકો માટે એ ઘણો મુશ્કેલ સમય હતો, પરંતુ હું મારી આંખોથી વૈજ્ઞાનિકોનું ધૈર્ય અને કંઈક કરી બતાવવાનો જુસ્સો પણ જોઈ રહ્યો હતો અને થોડાં વર્ષ પછી આખી દુનિયાએ પણ જોયું કે કેવી રીતે એ જ વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ને સફળ કરી બતાવ્યું.
તેમણે ઉમેર્યુ કે હવે ભારતે પોતાના સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ સેક્ટર માટે પણ ખુલ્લું મૂકી દીધું છે. આજે ઘણા બધા યુવાનો સ્પેસ સ્ટાર્ટઅપમાં નવા મુકામ સ્થાપિત કરી રહ્યા છે. 10 વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં માત્ર એક કંપની હતી, પરંતુ આજે દેશમાં સવા ત્રણસોથી વધારે સ્પેસ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. આવનારો સમય સ્પેસ ક્ષેત્રમાં ઘણી બધી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. ભારત નવી ઊંચાઈઓને આંબવાનું છે. દેશ ગગનયાન, SpaDeX અને ચંદ્રયાન-4 જેવા અનેક મહત્વના મિશનની તૈયારીઓમાં લાગેલું છે. આપણે Venus Orbiter Mission અને Mars Lander Mission પર પણ કામ કરી રહ્યા છીએ. આપણા સ્પેસ સાયન્ટિસ્ટ પોતાના ઈનોવેશન્સથી દેશવાસીઓને નવા ગૌરવથી ભરી દેશે.