મહિલાઓની સમાન ભાગીદારી જ સાચા વિકાસની ચાવી: રાષ્ટ્રપતિ મૂર્મુ
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રવિવારે જણાવ્યું હતું કે, ભારત જો સાચા અર્થમાં વિકાસ સાધવા માંગતું હોય તો તેણે જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. તેમણે નોંધ્યું હતું કે મહિલાઓ દેશની કુલ વસ્તીના લગભગ અડધા હિસ્સા સમાન છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિએ આ ટિપ્પણી કરી હતી. ભારતની પ્રગતિમાં મહિલાઓની વધતી ભૂમિકા પર ભાર મૂકતા મુર્મુએ કહ્યું કે શિક્ષણ, વહીવટ, ન્યાયતંત્ર, સશસ્ત્ર દળો, વિજ્ઞાન, ટેકનોલોજી, દવા, કલા અને સાહસિકતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે અને પંચાયતોમાં તેમના નેતૃત્વ દ્વારા પાયાના સ્તરે શાસનમાં યોગદાન આપી રહી છે.
"જો યોગ્ય તકો અને સહકાર આપવામાં આવે તો, મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે," તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું.
મૂર્મુએ કહ્યું કે ભારત સતત 'મહિલા સંચાલિત વિકાસ' (women-led development) તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં સમાજમાં મહિલાઓની ભાગીદારીને મર્યાદિત કરતા અવરોધોને દૂર કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે નોંધ્યું કે ભારતે શાળાકીય શિક્ષણમાં લિંગ સમાનતા (gender parity) હાંસલ કરી છે, જ્યારે ઉચ્ચ શિક્ષણમાં પણ વિદ્યાર્થિનીઓના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) શિક્ષણમાં પણ મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.
કેન્દ્રીય બજેટ 2026-27નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ સ્થાપવાની દરખાસ્ત STEM ક્ષેત્રની વિદ્યાર્થિનીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવા અને 'નોલેજ ઇકોનોમી'માં નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવામાં મદદ કરશે.
મૂર્મુએ સાહસિકતા (entrepreneurship) ક્ષેત્રે મહિલાઓની વધતી હાજરી પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે 'સ્ટાર્ટ-અપ ઈન્ડિયા' પહેલ હેઠળ સમર્થિત અડધાથી વધુ સ્ટાર્ટ-અપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે, જ્યારે બે લાખથી વધુ મહિલા માલિકીના MSMEs હાલમાં ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પર સક્રિય છે. તેમણે કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલ 'SHE-Mart' પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનો હેતુ સ્વ-સહાય જૂથો અને ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ માટે બજારની વધુ સારી પહોંચ પૂરી પાડવાનો છે.
રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે ગયા વર્ષે અમલમાં આવેલા લેબર કોડ્સ (શ્રમ સંહિતા) મહિલાઓ માટે વધુ સમાવેશી અને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. તેની સાથે જ તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણની સફરમાં હજુ પણ અનેક પડકારો બાકી છે, જેમાં ભેદભાવ, અસમાન વેતન અને ઘરેલું હિંસાનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓના નિરાકરણ માટે માત્ર કાયદાકીય પગલાં જ નહીં પરંતુ સામાજિક માનસિકતામાં પરિવર્તનની પણ જરૂર છે.
મૂર્મુએ જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મહિલાઓને સશક્ત બનાવવી અને તેમની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી દેશની પ્રગતિ માટે અનિવાર્ય રહેશે.
સામૂહિક પગલાં લેવા માટે હાકલ કરતા રાષ્ટ્રપતિએ નાગરિકોને દરેક દીકરીને શિક્ષણ અને સમાન તકો પૂરી પાડવા, મહિલાઓની ગરિમા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરવા માટે કામ કરવા પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે આવા પ્રયાસોથી વિશ્વ સમક્ષ મહિલા સશક્તિકરણનું 'ભારતીય મોડેલ' રજૂ કરવામાં મદદ મળશે.
