લાલ ફોલ્ડરમાં બજેટ લઈ સાંસદ ભવન પહોંચ્યા નિર્મલા સીતારમણ
Live TV
-
આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થવાનું છે. દેશના પહેલાં મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ NDA સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જે પછી લાલ ફોલ્ડરમાં બજેટ લઈને નિર્મલા સીતારમણ સાંસદ ભવન પહોંચ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદ પહોંચી ચૂક્યા છે.
નિર્મલા સીતારમણ બ્રીફકેસની જગ્યાએ એક લાલ ફોલ્ડરમાં બજેટ લઈને પહોંચ્યાં હતાં. નોંધનીય છે કે અત્યાર સુધી બજેટ રજૂ કરતા પહેલા ભારતીય નાણાપ્રધાન એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસદમાં પહોંચતા હતા. આ રીતે ફોલ્ડરમાં બજેટ લઈ જવા વિશે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું હતું કે, 'આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી માનસિકતાની ગુલામીમાંથી બહાર આવવાનું પ્રતીક છે. આને તમે બજેટ નહીં પરંતુ 'ખાતા વહી' કહી શકો છો.'
આ બજેટ માટે આમ આદમીથી લઈને ઉદ્યોગજગત અને નોકરિયાત વર્ગને વધુ પડતી આશાઓ છે. લોકોને અપેક્ષા છે કે, નાણામંત્રી એવા પગલા ભરશે જેનાથી અર્થ વ્યવસ્થા મજબૂત થશે. આ સાથે જ સામાન્ય વર્ગને પણ રાહત મળશે. ગત NDA સરકાર-1માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે સરકાર સંસદના પહેલા સત્રમાં પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી સામે અર્થવ્યવસ્થાને ફરી એકવાર વધુ વેગ આપવાનો પડકાર છે. કેવું રહેશે મોદી સરકાર-2નું પહેલું બજેટ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
