લોકસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત; હરિવંશ સિંહ બન્યા રાજ્યસભાના ઉપસભાપતિ
Live TV
-
સંસદમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયું છે. લોકસભામાં અને રાજ્યસભામાં પૂર્વ સાંસદો સહિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી એક-એક કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. કોવિડ-19ના નિયમોને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ વખતે સંસદ સભ્યોની બેઠક વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. સંસદમાં લોકસભાની બેઠક સવારે મળી હતી અને રાજ્યસભાની બેઠક સાંજે મળી હતી. લોકસભામાં આજે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ, 2020 અને નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિકલ બિલ, 2020 પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના વિરોધ વચ્ચે સરકારે સંસદના ચોમાસા સત્ર દરમિયાન પ્રશ્નકાળ અને બિનસરકારી કામકાજ સ્થગિત કરવા જેવા પ્રસ્તાવોને લોકસભામાં રજૂ કર્યા હતા. વિપક્ષી દળોએ પ્રશ્નકાળ સ્થગિત કરવાનો વિરોધ કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આ સત્ર દરમિયાન પશ્નકાળ અને બિનસરકારી કામકાજ નહીં કરવા પર મોટાભાગના નેતાઓ અને પક્ષોએ સહેમતિ વ્યક્ત કરી હતી. લોકસભામાં કૃષિ અને ખેડૂતો સાથે જોડાયેલ બે અધ્યાદેશના બદલામાં બિલને રજૂ કરવામાં આવ્યું છે. તો રાજ્યસભામાં આજે નવા નિર્વાચિત સભ્યોએ શપથ લીધા હતા. જેમાં ગુજરાતના ચાર સભ્યો નરહરી અમીન, રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને શક્તિસિંહ ગોહિલે પણ શપથ લીધા હતા. તો આજે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં જેડીયુ નેતા હરિવંશજીની ધ્વનિમતથી ઉપસભાપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઉપસભાપતિની ચૂંટણીમાં ભાગ લેનાર તમામ સાંસદોને પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.
