લોકસભા ચૂંટણી પરિણામ માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ
Live TV
-
એક્ઝિટ પોલના આંકડાએ દેશની જનતામાં એક નવો ઉત્સાહ અને ઉત્સુકતા ભરી દીધી છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી દેશભરના 1140 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થશે. પહેલીવાર EVM ગણતરીની સાથે સાથે VVPATની પણ ગણતરી કરાશે, જેથી મતગણતરી મોડા સુધી ચાલશે અને જેના પગલે પરિણામ મોડી સાંજે આવે તેવી શક્યતા છે.
વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને લોકતંત્રના મહાઉત્સવ, જેની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે, અને હવે આજે તેને છેલ્લો ઓપ મળવા જઈ રહ્યો છે. દેશભરની 542 સંસદીય સીટો માટે કરાયેલ મતદાનની આજે ગણતરી શરૂ થશે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે.
ઉત્તરપ્રદેશની 80 લોકસભા સીટો પર મતગણતરી કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. મતગણતરી સુરક્ષિત રીતે થાય તેના માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. જેના માટે 20 હજાર અર્ધસૈનિક પોલીસકર્મીઓ અને લગભગ 2 લાખ જિલ્લા પોલીસકર્મીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં 51 જિલ્લા મુખ્યાલયો પર બનાવવામાં આવેલ 51 મતગણતરી સ્થળો પર કુલ 292 મતગણતરી રૂમોમાં થશે, જેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.
હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ મતગણતરીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.
રાજસ્થાનની વાત કરીએ તો રાજ્યમાં 25 સીટો માટે 25 કેન્દ્રો પર મતગણતરીની તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
નાગાલેન્ડની એકમાત્ર લોકસભા સીટ અને ઓગલેનડેન વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીની આજે થનાર મતગણતરી માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે, તો આસામમાં પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઓડિશાની 21 લોકસભા સીટો અને 146 વિધાનસભા સીટો માટે રાજ્યના 63 મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી થશે.
ગુજરાતની 26 લોકસભા સીટો અને પેટાચૂંટણીની ચાર વિધાનસભા સીટો માટે 28 કેન્દ્રો પર મતગણતરી થશે.
દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશના 35 સ્થળો પર 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેલંગણામાં પણ મતગણતરીની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
દેશની 543 લોકસભા સીટોમાંથી 542 સીટો પર મતદાન થયું છે. તમિલનાડુની વેલ્લોર લોકસભા સીટ પર ધન અને બળનો વધુ ઉપયોગ થયો હોવાના કારણે ચૂંટણી પંચે ચૂંટણી રદ્દ કરી દીધી હતી. 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે થશે. સાત તબક્કામાં થયેલા મતદાનમાં 90.99 કરોડ મતદાતાઓમાંથી લગભગ 67.11 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
