વંદે ભારતમ્- નૃત્ય ઉત્સવની ગ્રાન્ડ ફિનાલે આજ રોજ દિલ્હીમાં યોજાશે
Live TV
-
અખિલ ભારતીય વંદે ભારતમ્, નૃત્ય ઉત્સવની ગ્રાન્ડ ફિનાલે 19 ડિસેમ્બરે એટલે કે આજે દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમના સભાગારમાં આયોજિત થશે. 4 ઝોનના 949 નૃત્ય કલાકારોની સાથે 73 જૂથોએ ફાઈનલ સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે. ફાઈનલમાં નૃત્ય કલાકાર ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે અને આ વિજેતાઓને જીવનમાં એકવાર મળનારી તક તરીકે ગણતંત્ર દિવસ પરેડમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે જેને ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં જોવામાં આવે છે.
ગ્રાન્ડ ફિનાલેમાં સંસ્કૃતિ અને વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, સંરક્ષણ અને પ્રવાસન રાજ્ય મંત્રી અજય ભટ્ટ, પ્રસિદ્ધ અભિનેત્રી-ગાયિકા-નૃત્યાંગના ઈલા અરૂણ, શોભના નારાયણ, શિબાની કશ્યપ અને સોનલ માનસિંહની સાથે સાથે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રની અનેક અન્ય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. રાની ખાનમ અને તેમની ટીમ વંદે ભારતમ્ નામની ખાસ કોરિયોગ્રાફ કરાયેલી પ્રસ્તુતિ રજૂ કરશે અને દિગ્ગજ નૃત્યાંગના તનુશ્રી શંકર તેમજ તેમની મંડળી સ્ટાર પર્ફોર્મર રહેશે.
