વજુભાઇએ કુમારસ્વામીને CM પદના શપથ લેવડાવ્યા, પરમેશ્વરન બન્યા ડેપ્યુટી CM
Live TV
-
એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની ગઇ છે. જેડીએસના કુમારસ્વામીએ મુખ્યમંત્રી તરીકે અને જી.પરમેશ્વરને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્ણાટક વિધાનસભા ભવનમાં શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં વિપક્ષી પાર્ટીઓના લગભગ તમામ દિગ્ગજ નેતા એકત્ર થયા.
કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભ એક રીતે વિપક્ષી પાર્ટીઓનો મેગા શો સાબિત થયો. લગભગ વિપક્ષી પાર્ટીઓના તમામ દિગ્ગજ નેતા આ સમારંભમાં ભાગ લેવા પહોંચ્યા. તેમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય સપાના અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને આરએલડી પ્રમુખ અજીત સિંહ સહિત કેટલાંય નેતા પહોંચ્યા હતા.
કર્ણાટકની સત્ત સંઘર્ષની વચ્ચે ભાજપે કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભનો બાયકૉટનો નિર્ણય કર્યો છે. યેદિયુરપ્પાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સત્તાની ભૂખ અને લાલચના આધાર પર બનાવેલી કૉંગ્રેસ-જેડીએસની સરકાર 3 મહિનાથી વધુ ચાલશે નહીં.
આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલ ભાજપની તરફથી 17મી મેના રોજ બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, પરંતુ 19મી મેના રોજ સુપ્રીમ કોર્ટ બાદ ફ્લોર ટેસ્ટથી પહેલાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું. કૉંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે ધારાસભ્ય વધુ હોવા છતાંય જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનવાની તક આપી.
