વારાણસી: પ્રધાનમંત્રીએ કોવિડ રસીકરણના લાભાર્થીઓ અને રસી આપનારાઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસી આપનારાઓ સાથે સંવાદ કર્યો હતો.
ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવીડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને રસી આપનારાઓ સાથે સંવાદ કર્યો હતો. કોવિડ સ્થિતિના કારણે આ પ્રસંગે ત્યાં રૂબરૂ ઉપસ્થિત ન રહી શકવા બદલ તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજે આપણાં દેશમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના પ્રથમ બે તબક્કાઓમાં આશરે 30 કરોડ દેશવાસીઓને રસી આપવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશ પાસે તેની પોતાની રસી બનાવવાની ઈચ્છા શક્તિ રહેલી છે. આજે ઝડપી ગતિએ દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી જરૂરિયાત ઉપર સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે અને ભારત બીજા અન્ય દેશોને પણ મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ છેલ્લા છ વર્ષમાં બનારસ અને આસપાસના વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આવેલ પરિવર્તન કે જેણે કોરોના કાળમાં સંપૂર્ણ પૂર્વાચલની મદદ કરી હતી, તેની નોંધ લીધી હતી. તેમણે એ પણ નોંધ્યું હતું કે બનારસ હવે રસીકરણ માટે પણ એવી જ તીવ્ર ગતિનું પ્રદર્શન કરી રહ્યું છે. બનારસમાં 20 હજારથી વધુ આરોગ્ય વ્યવસાયીકોને રસી આપવામાં આવશે. આ માટે 15 રસીકરણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
પ્રધામંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજના સંવાદનો ઉદ્દેશ્ય રસીકરણ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ વ્યવસ્થા અને જો કોઈ સમસ્યા હોય તો તેના વિષે ચર્ચા કરવાનો છે. તેમણે રસીકરણ અભિયાનમાં સંકળાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વારાણસીના પ્રતિભાવો અન્ય જગ્યા પર પરિસ્થિતિને સમજવા માટે પણ મદદ કરશે.
પ્રધાનમંત્રીએ મેટ્રોન, એએનએમ કાર્યકર્તાઓ, ડૉક્ટર્સ અને લેબ ટેક્નિશિયન સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ એક સાધુ જેવા સમર્પણ માટે વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે સ્વચ્છતા અભિયાનમાં લેવામાં આવેલા પગલાઓ કે જેમણે એક સ્વચ્છતાની સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું તેના કારણે દેશ આ મહામારી સામે લડવા માટે વધુ સારી રીતે તૈયાર હતો.
