વિઝા અને મુસાફરી પ્રતિબંધો પર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે
Live TV
-
કોવિડ-19 રોગચાળાને લઈને ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફેબ્રુઆરી, 2020થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની આંતરિક અને બાહ્ય આવાગમનને રોકવા માટે અનેક પગલાં લીધાં હતાં.
સરકારનો મહત્વનો નિર્ણય
વિદેશી નાગરિકો અને ભારતીય નાગરિકો કે જેઓ ભારતમાં પ્રવેશવા અથવા બહાર જવા ઇચ્છે છે તેમને વધારાની કેટેગરીમાં વિઝા અને મુસાફરી પ્રતિબંધોમાં ક્રમશ: છૂટછાટ આપવાનો સરકારે હવે નિર્ણય લીધો છે. તેથી, ટુરિસ્ટ વિઝા સિવાયના કોઈ પણ હેતુથી ભારતની મુલાકાતે આવવા માંગતા ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડ ધારકો અને અન્ય તમામ વિદેશી નાગરિકોને અધિકૃત વિમાની મથકો અને સી-પોર્ટ ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ દ્વારા હવાઈ અથવા જળ માર્ગો પર પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવું પડશે
આમાં વંદે ભારત મિશન, એર ટ્રાન્સપોર્ટ બબલની વ્યવસ્થા હેઠળ અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી મળેલી કોઈ પણ અનુસૂચિત વાણિજ્યિક ફ્લાઇટ્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ સામેલ છે. તેમ છતાં, આવા તમામ મુસાફરોએ કવોરનટીન અને અન્ય આરોગ્ય / કોવિડ -19 બાબતો અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાનું સખત પાલન કરવું પડશે.
વિઝાની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તો શું કરવું?
આ છૂટછાટ અંતર્ગત ક્રમશ: ભારત સરકારે પણ તમામ હાલના વિઝા (ઇલેક્ટ્રોનિક વિઝા, ટૂરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા સિવાય) તાત્કાલિક અસરથી પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જો આવા વિઝાની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય, તો યોગ્ય કેટેગરીઝના નવા વિઝા સંબંધિત ભારતીય મિશન / પોસ્ટ્સથી મેળવી શકાય છે. તબીબી સારવાર માટે ભારત આવવા ઇચ્છતા વિદેશી નાગરિકો મેડિકલ વિઝા માટે તેમના મેડિકલ એટેન્ડન્ટ્સ સહિત અરજી કરી શકે છે. તેથી, આ નિર્ણય વિદેશી નાગરિકોને વિવિધ હેતુઓ જેમ કે વ્યવસાય, પરિષદો, રોજગાર, અભ્યાસ, સંશોધન, તબીબી હેતુઓ માટે ભારત આવવા માટે સક્ષમ બનાવશે.