વિરોધ પક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાએ ચૂંટણી કાયદા સુધારા ખરડાને પસાર કર્યો
Live TV
-
વિરોધ પક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે આજે લોકસભાએ ચૂંટણી કાયદા સુધારા ખરડાને પસાર કર્યો છે. આ બિલમાં મતદાર યાદી સાથે આધાર નંબર જોડવાની જોગવાઈ છે. તેમાં 18 વર્ષની ઉંમરના મતદાતાને એક વર્ષમાં મતદાર તરીકે નોંધણી કરવા માટે ચાર તક આપે છે. આ ઉપરાંત, બિલમાં મતદાન સાથે સંકળાયેલા લોકોને ચૂંટણીના હેતુઓ માટે કોઈપણ જગ્યાએ મતદાનની જોગવાઈ છે. કોંગ્રેસ અને ડાબેરી સહિતના વિપક્ષી સભ્યોએ આ ચૂંટણી કાયદા સુધારા ખરડાની રજૂઆતનો વિરોધ કર્યો હતો. કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આ બિલનો હેતુ બોગસ અને નકલી મતદાનને રોકવા માટે એક મજબૂત કાયદો ઘડવાનો છે. તેમણે કહ્યું કે તેનાથી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951માં કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવશે અને તેને મતદાર યાદી સાથે જોડી શકાય છે. તેના કારણે વિશ્વાસપાત્ર મતદાર યાદી તૈયાર કરી શકાશે.
આ બિલ, મૂળભૂત અધિકારમાં અંગત જીવનના અધિકાર અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં દર્શાવેલ રૂપરેખાને સંપૂર્ણ રીતે આવરી લીધી છે. વિપક્ષના આક્ષેપોને નકારી કાઢતાં કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, આ સુધારા ચૂંટણીપંચ અને સંસદીય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારે ચૂંટણીપંચ અને રાજ્યો સાથે પણ આ ભલામણો અંગે સંપૂર્ણ ચર્ચા કરી છે. વિધેયકને રજુ કરતી વખતે કાયદા મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે હવે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે એમ વર્ષમાં ચાર વખત મતદાતા તરીકે નોંધણી કરવાની તક મળશે. બાદમાં સંસદની બહાર મીડિયા સાથે વાત કરતાં કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, આ બિલ દેશમાં મોટા ચૂંટણી સુધારાનો માર્ગ મોકળો કરશે. અગાઉ કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, મનીષ તિવારી અને શશિ થરૂર, A.I.M.I.M.ના અસદુદ્દીન ઓવૈસી, T.M.C.ના પ્રોફેસર સૌગતા રોય, R.S.P.ના એન.કે. પ્રેમચંદ્રન અને B.S.P.ના રિતેશ પાંડેએ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
