સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચંદીગઢમાં ભારતીય હવાઈદળના વારસારૂપ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચંદીગઢમાં ભારતીય હવાઈદળના વારસારૂપ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને હવાઈદળ વચ્ચેના સમજૂતી કરાર હેઠળ આ કેન્દ્ર રચવામાં આવ્યું છે. ગયા વર્ષે આ અંગે કરાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, આ હેરિટેજ સેન્ટર હવાઈદળમાં સેવા આપનારા લોકોની હિંમત અને સમર્પણનું પ્રતિક છે. જવાનોના બલિદાનને શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રની સુરક્ષામાં તેમના અમૂલ્ય યોગદાનની યાદ અપાવે છે. 1971ના યુદ્ધ દરમિયાન ત્રણેય પાંખ દ્વારા દર્શાવવામાં આવેલ સંયુક્ત અભિગમ અને પ્રતિબદ્ધતાને તેમણે અભૂતપૂર્વ ગણાવી. તેમણે કહ્યું કે, યુદ્ધ કોઈ જમીન કે સત્તા માટે નહીં, પરંતુ માનવતા અને લોકશાહી માટે લડવામાં આવ્યું હતું.
વધુમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ કેન્દ્ર ભાવિ પેઢી માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. 17 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું આ પ્રથમ હેરિટેજ કેન્દ્ર છે અને તેમાં 1965, 1971 અને કારગીલ યુદ્ધ તથા બાલાકોટ હવાઈ હુમલામાં ભૂમિકાને ભીંતચિત્રો અને સ્કેલ મોડલ્સ દ્વારા દર્શાવવામાં આવી છે. તેમાં એરક્રાફ્ટ મોડલ, એરો એન્જીન અને શસ્ત્રો જેવાં અનેક આકર્ષણો છે તથા ઇન્ટરેક્ટિવ કિઓસ્ક છે. રાજનાથસિંહે રાયપુરકલાન ખાતે ગૌશાળાનો આરંભ કર્યો અને પંજાબ એન્જીનિયરીંગ કોલેજમાં કુરુક્ષેત્ર બોયઝ હોસ્ટેલ માટે શિલાન્યાસ કર્યો. તેમણે સાયબર સિક્યુરિટી માટેના કેન્દ્રની તકતીનું અનાવરણ પણ કર્યું હતું.
