સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક થઈ
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્યાના સંરક્ષણ મંત્રી એડન બેર ડ્યુએલ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થઈ. ડ્યુએલ 3 દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. દ્વિપક્ષીય બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે આફ્રિકન દેશો સાથે વાતચીતને પ્રાથમિકતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ G-20 સભ્ય દેશોને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ભારતની અધ્યક્ષતામાં થનારી આગામી સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનને G-20 નું સભ્યપદ આપે. બેઠકમાં કેન્યાના સંરક્ષણ મંત્રીએ ભારત અને કેન્યા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો આઝાદી પહેલાના છે. સપ્ટેમ્બર 2022 માં નવી સરકાર સત્તા સંભાળ્યા પછી કેન્યાના સંરક્ષણ પ્રધાનની ભારતની આ પ્રથમ મુલાકાત છે અને કેન્યાના નેતાની પ્રથમ ઉચ્ચ સ્તરીય રાજકીય મુલાકાત છે. આ મુલાકાત સૂચવે છે કે આફ્રિકન દેશો સાથે ભારતના મહત્વપૂર્ણ સંબંધો છે અને ભારત અને કેન્યા વચ્ચે સહકાર વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ હવે વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
