સરકાર અને ભારતીય રિઝર્વ બેંક ક્રિપ્ટોકરન્સી મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યા છે: નાણામંત્રી
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક ક્રિપ્ટોકરન્સીના મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યા છે અને આ સંબંધમાં કોઈપણ નિર્ણય સાથે લેવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેંક વચ્ચે માત્ર ક્રિપ્ટોકરન્સી પર જ નહીં પરંતુ તમામ મુદ્દાઓ પર સંપૂર્ણ સંકલન છે. નવી દિલ્હીમાં બજેટ પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પરંપરાગત બેઠકને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ આ વાત કહી.
એબીજી શિપયાર્ડ લિમિટેડ પર મિડીયાના પ્રશ્નના જવાબમાં, સીતારામને જણાવ્યું હતું કે એનડીએ સરકારને એબીજી શિપયાર્ડ છેતરપિંડી કેસ વિશે જાણ થઈ હતી અને આ બાબત પર ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ લોન 2013 પહેલા આપવામાં આવી હતી અને જાન્યુઆરી 2014 પહેલા આ લોન NPA બની ગઈ હતી. સીતારામને એમ પણ કહ્યું કે દેશમાં બેંકોની કામગીરીમાં ઘણો સુધારો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશમાં ફુગાવો અંકુશમાં છે અને ગયા ઓક્ટોબરથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.