સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિને સ્વામાનથી જીવવાનો છે અધિકાર- કલમ 377 અંતર્ગત સમલૈંગિક્તા હવે અપરાધ નહીં
Live TV
-
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિને સ્વામાનથી જીવવાનો છે અધિકાર - કલમ 377 અંતર્ગત સમલૈંગિક્તા હવે અપરાધ નહીં-5 જજની બંધારણિય બેંચે વર્ષ 2013ના ચુકાદાને ફેરવ્યો- સમલૈંગિક્તા મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.
સમલૈંગિકતાને ગેરકાયદેસર ઠેરવતી આઇપીસીની ધારા 377ની કાયદેસરતા પર સુપ્રીમકોર્ટે એક મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપતા સમલૈંગિકતાના અપરાધને ધારા 377ના દાયરામાથી બાકાત કરી દીધો છે.સુપ્રીમકોર્ટના 5 જજોની સંવિધાનિક પીઠે સમલૈંગિકતાને ધારા-377 હેઠળ અપરાધ ગણવાનો ઈનકાર કરી દીધો છે.
અગાઉ 2009માં દિલ્લી હાઈકોર્ટે સમલૈંગિકતાના ગુનાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધો હતો.પરંતુ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા 2013માં સુપ્રીમ કોર્ટની બે જજોની સંવિધાનિક પીઠે સમલૈંગિકતાને અપરાધ ઠેરવતા હાઈકોર્ટના ચુકાદાને રદ કરી દીધો હતો અને તેની પુન:વિચારણા માટેની અરજી પણ ફગાવી દીધી હતી.પરંતુ 2016માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટીસ ઠાકુર દ્વારા આ કેસમાં દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશનને 5 જજોની સંવિધાનિક પીઠને મોકલવામાં આવી હતી.2018માં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજોની પીઠે તેની નવેસરથી તેની સુનાવણી કરતા 2013ના ચુકાદાને પલટાવી નાખીને સમલૈંગિકતાને ધારા-377 હેઠળના અપરાધમાંથી રદ કરી દીધો છે.
જ્યાં હવે ભારતમાં બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સમલૈંગિક સંબંધ હવે અપરાધ નથી. તેવામાં ધારા 377 વિશે થોડી માહિતી મેળવીએ..
શું છે ધારા 377
ધારા 377 આ દેશમાં અંગ્રેજોએ 1861માં લાગૂ કરી હતી. આ કાયદા હેઠળ કોઇ વ્યક્તિ કોઇ મહિલા, પુરુષ કે પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઇ શકે છે. વર્ષ 1860માં તત્કાલીન બ્રિટીશ સરકારે ભારતીય દંડ સંહિતાની ધારા 377ને સામેલ કરી અને તે સમયે તેને ભારતમાં લાગૂ કરી દેવામાં આવી હતી. 1861માં જ્યારે લૉર્ડ મેકોલેએ ઇન્ડિયા પીનલ કોડની રચના કરી તેમાં આ અપરાધ માટે ધારા 377ની જોગવાઇ કરવામાં આવી હતી.વર્ષ 2017માં બહાર પાડવામાં આવેલી ઇન્ટરનેશનલ લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રાન્સ એન્ડ ઇન્ટરસેક્સ એસોસિએશન (આઇએલજીએ)ની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દુનિયાના 72 દેશોમાં સમલૈંગિક સંબંધોને હજુ પણ અપરાધ માનવામાં આવે છે અને ત્યાના કાયદા પ્રમાણે જેલની સજા ફટકારવામાં આવે છે.
દુનિયામાં સમલૈંગિકતાને કાયદેસર માન્યતા આપનારા 26 દેશોમાં બેલ્જિયમ, કેનેડા, સ્પેન, સાઉથ આફ્રિકા, નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, પોર્ટુગલ, ડેન્માર્ક, ઉરુગ્વે, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, બ્રાઝીલ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લગ્ઝમબર્ગ, આયરલેન્ડ,ગ્રીનલેન્ડ, કોલંબિયા, જર્મની, માલ્ટાનો સમાવેશ થાય છે.નેધરલેન્ડે સૌપ્રથમ ડિસેમ્બર 2000માં સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી હતી. તો ભારતમાં સમલૈંગિકતાને ધારા 377માંથી હટાવવાના ચુકાદા બાદ અનેક રાજ્યોમાં એલજીબીટી સમુદાયના લોકો વચ્ચે ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.
