સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરનું ટ્વીટ : હું સાજી થઈ ગઈ છું, ઘરે આવી ગઈ છું
Live TV
-
રવિવારે તેમને રજા આપવામાં આવી હતી.
સ્વરકોકિલા લતા મંગેશકરને 28 દિવસની સારવાર પછી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હવે ઘેર પાછાં આવી ગયાં છે. તેમણે ઘેર આવ્યા પછી પોતે ટ્વિટર પરથી આ માહિતી આપી છે. ઉપરાંત બધા ચાહકોનો આભાર પણ માન્યા છે. લતાદીદીને શ્વાસની તકલીફ થતાં 12 નવેમ્બરે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયાં હતાં. આ પછી વરિષ્ઠ ડોક્ટર ફારુખ ઉદવાડિયાની દેખરેખમાં તેમની પર સતત ઉપચાર ચાલતા હતા. રવિવારે તેમને રજા આપવામાં આવી હતી.
લતાએ ટ્વિટરમાં કહ્યું, નમસ્કાર, છેલ્લા 28 દિવસથી હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. મારી તબિયત સંપૂર્ણ સારી થાય પછી જ હું ઘેર જાઉં એવી ડોક્ટરોની ઈચ્છા હતી. આજે હું ઘેર આવી ગઈ છું. ઈશ્વર, માતા- પિતાના આશીર્વાદ અને તમારા બધાનો પ્રેમ અને પ્રાર્થનાને લીધે હું સાજી થઈ ગઈ છું. હું તમારા બધાનો મન:પૂર્વક આભાર માનું છું. ડોક્ટરો ખરેખર દેવદૂત છે. ત્યાંના બધા કર્મચારીઓ પણ બહુ સારા છે. તમારા બધાનો હું ફરી એક વાર મન:પૂર્વક આભાર માનું છું. આ પ્રેમ અને આશીર્વાદ આ જ રીતે ચાલુ રાખશો, એમ લતાદીદીએ ટ્વીટમાં જણાવ્યું છે.
