સૌપ્રથમ NFSU નેશનલ ટેક્નોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન(NTMCC)નું આયોજન સંપન્ન
Live TV
-
ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેકનોલોજીને કાયદા સાથે સફળતાપૂર્વક જોડવામાં આવી હતી
સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ-NFSU દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ત્રિ-દિવસીય 1લી નેશનલ ટેક્નોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશન (NTMCC)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ તા.26મી માર્ચ 2023ના રોજ યોજાયો હતો. સમાપન સમારોહના મુખ્ય અતિથિ તરીકે જસ્ટિસ એમ.આર. શાહ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી નામાંકિત કાયદાકીય સ્કૂલ્સના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
વિજેતાઓને ઈનામોનું વિતરણ મુખ્ય અતિથિ અને અગ્રણી કાયદાવિદોએ કર્યું હતું. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં જસ્ટિસ એમ.આર. શાહ, ન્યાયાધીશ-સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા; ડૉ. જસ્ટિસ કૌશલ ઠાકર, ન્યાયાધીશ-અલ્હાબાદ હાઈકોર્ટ; ન્યાયાધીશ એસ.જી. શાહ, ભૂતપૂર્વ ન્યાયાધીશ-ગુજરાત હાઈકોર્ટ; ન્યાયાધીશ પી.પી. ભટ્ટ, ભૂતપૂર્વ ન્યાયાધીશ-ઝારખંડ હાઈકોર્ટ; ન્યાયાધીશ એ.સી. જોશી, ભૂતપૂર્વ ન્યાયાધીશ-ગુજરાત હાઈકોર્ટ અને મિતેશ આર. અમીન, સિનિયર એડવોકેટ-ગુજરાત; પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-દિલ્હી અને પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર-NFSU-ગાંધીનગરનો સમાવેશ થયો હતો.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જસ્ટિસ એમ.આર. શાહે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેય હારથી ડરવું જોઈએ નહીં અને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રતિબદ્ધતા સાથે તમારી કુદરતી રમત રમવી જોઈએ.
NFSU NTMCCના પ્રથમ વિજેતા જયપુર નેશનલ યુનિવર્સિટી રહી, જ્યારે GLS યુનિવર્સિટી રનર્સ-અપ રહી. GLS યુનિવર્સિટીને બેસ્ટ મેમોરિયલ, VIT સ્કૂલ ઑફ લૉની કુ.લથાંગીને બેસ્ટ સ્પીકર તરીકે અને NMIMS સ્કૂલ ઑફ લૉની કિરાત હોરાને બેસ્ટ રિસર્ચર તરીકે પસંદ કરવામાં આવી હતી.આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેકનોલોજીને કાયદા સાથે સફળતાપૂર્વક જોડવામાં આવી હતી અને ભાવિ ટેક્નોલોજીની કાનૂની અસરો અંગે સૌને માહિતગાર કરાયા હતા અને ભાવિ પડકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ડૉ. બિશ્વા દાસે, ફેકલ્ટી કન્વીનર-NFSUએ આ સ્પર્ધાની સંક્ષિપ વિગતો આપી હતી. પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ડીન-SLFJ&PS અને કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ડો.તારકેશ મોલીયા, એસોસિએટ પ્રોફેસરે સૌનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે NFSUની વિવિધ સ્કૂલ્સના ડીન, એસોસિયેટ ડીન,અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.