હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જતા સહેલાણીઓ માટે હવામાન વિભાગ દ્વારા સૂચના
Live TV
-
આગામી 4 દિવસ હિમાચલ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને ભયંકર તબાહી મચાવી છે. વરસાદના પગલે નદી-નાળાનું જળસ્તર વધી ગયું છે. રવિવારે મોડી સાંજે NTPCના કોલ ડેમમાં 10 લોકો ફસાયા હતાં. આ બનાવની જાણ થતાં NDRF તેમજ સ્થાનીક ટીમે ભારે મહેનત બાદ 5 વન વિભાગના કર્મચારી તેમજ 5 સ્થાનીક લોકોને બચાવી લીધા છે, જ્યારે પંજાબમાં ગુરરદાસપુર, તરન-તારન, ફિરોઝપુર, હોશિયારપુર, રૂપનગર અને કપુરથલા જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી છે. હજુ અનેક જિલ્લાના ગામોમાં પૂરના પાણી ઓસર્યા નથી. અગમચેતીના પગલારૂપે અનેક સ્થળોએ વાહન વ્યવહાર બંધ કરવામા આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે હિમાચલ અને ઉત્તરાખંડમા બે-દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્રિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ચંબા અને મંડી જિલ્લાઓમાં આજે અચાનક પૂર આવવાની ચેતવણી આપવામાં આવી છે. જેથી લોકોને સાવચેત રહેવા અને પ્રવાસીઓને ભૂસ્ખલન થવાની સંભાવના ધરાવતા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની, વાદળ ફાટવાની અને ભૂસ્ખલનને કારણે 341 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 327 ઘાયલ થયા છે અને 38 લોકો હજુ પણ લાપતા છે.
ઉત્તરાખંડમાં આગામી 24મી સુધી ગઢવાલ અને કુમાઉના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપાયું છે. હવામાન વિભાગે આ સમાયગાળા દરમિયાન દેહરાદૂન, પૌરી, ટિહરી, બાગેશ્વર, ચંપાવત અને નૈનીતાલમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુશળધાર વરસાદને કારણે રાજ્યના પહાડી વિસ્તારોમાં રસ્તાઓ, પુલો અને મકાનોને ભારે નુકશાન થયું છે.