CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
Live TV
-
આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે ચર્ચા વિચારણા બાદ પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગનના માધ્યમથી CBSE ધોરણ-12ની પરીક્ષા માટે બેઠક યોજાઈ હતી જેમાં આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા તમામ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને CBSE બોર્ડ સાથે ચર્ચા વિચારણા બાદ પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરાયો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, CBSE ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે શૈક્ષણિક કૅલેન્ડરને અસર પડી છે અને બોર્ડની પરીક્ષા લેવાનો મુદ્દો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા ઉભો કરી રહ્યો છે અને તેનો અંત અવશ્યપણે લાવવો જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિ સમગ્ર દેશમાં બદલાતી પરિસ્થિતિ છે. દેશમાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને કેટલાક રાજ્યો અસરકારક માઇક્રો-કન્ટેઇન્મેન્ટ દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રણ લાવી રહ્યાં છે ત્યારે કેટલાક રાજ્યોમાં હજું પણ લૉકડાઉનનો અમલ ચાલુ જ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સ્વાભાવિકપણે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના આરોગ્ય બાબતે ચિંતિત હોય. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે તેમના પર દબાણ કરવું જોઇએ નહીં.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સલામતી સૌથી વધુ મહત્વ ધરાવે છે અને આ બાબતે કોઇપણ પ્રકારે બાંધછોડ કરી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં આવી પરીક્ષાઓને આપણા યુવાનોના આરોગ્ય માટે જોખમનું કારણ ના બનાવી શકાય. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તમામ હિતધારકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને નિર્દેશો આપતા કહ્યું હતું કે, નિયત સમય મર્યાદામાં અને નિષ્પક્ષ રીતે સારી રીતે નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોનું પાલન કરીને પરિણામો તૈયાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે.
વ્યાપક પરામર્શની પ્રક્રિયાનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ પ્રશંસાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં તમામ હિતધારકો સાથે ખૂબ જ વ્યાપક અને સઘન પરામર્શ કર્યા પછી વિદ્યાર્થીઓલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ મુદ્દે પ્રતિભાવો આપવા બદલ રાજ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ગયા વર્ષની જેમ જો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માંગતા હોય તો, જ્યારે અને જે પ્રકારે પરિસ્થિતિ અનુકૂળ થશે જ્યારે તેમને CBSE દ્વારા વિકલ્પ પૂરો પાડવામાં આવશે.
PM મોદીએ અગાઉ 21/05/2021ના રોજ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમાં મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ, 23/05/2021ના રોજ કેન્દ્રીય સંરક્ષણમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યોના શિક્ષણમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક દરમિયાન CBSE પરીક્ષાનું આયોજન કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.
