PMએ આજે વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનની શતાબ્દી ઉજવણીને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય શાંતિ નિકેતનના શતાબ્દી સમારોહ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રિય શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય શાંતિ નિકેતનના શતાબ્દી સમારોહ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું. તેમણે આ વિદ્યાલયના ગૌરવપ્રદ 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વ વિદ્યાલયને વધુ ગૌરવશાળી બનવાની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયની 100 વર્ષની યાત્રા ઘણી જ વિશેષ છે. વિશ્વભારતી ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના દર્શન અને ચિંતનનું સાકાર ચિંતન છે. જે દેશને નિરંતર ઉર્જા આપનારું આરાધ્ય સ્થળ છે. વિશ્વભારતી, શ્રીનિકેતન અને શાંતિ નિકેતન ગુરુદેવના લક્ષ્યોને પામવામાં લાગ્યા છે. વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયે ગામડાઓના વિકાસ માટે ઘણું સારું કામ કર્યું છે. આપણો દેશ વિશ્વ ભારતીમાંથી નિકળેલા સંદેશાને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી રહ્યો છે. વિશ્વભારતી નવા ભારતના નિર્માણમાં લાગ્યું છે. વિશ્વ ભારતીએ ભારતની આદ્યાત્મિકતા અને સાંસ્કૃતિક એકતાને ભક્તિ આંદોલનથી મજબૂત કર્યું છે. આ પ્રસંગે ગુજરાત અને રવિન્દ્રનાથ ટાગોરની આત્મિયતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે અનેક રચનાઓ લખી હતી. જેનું સ્મરણ 'એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી તરબોળ કરે છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિશ્વ વિદ્યાલયના કુલાધિપતિ છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ 1921 માં સ્થાપિત વિશ્વભારતી વિશ્વ વિદ્યાલય દેશની સૌથી જૂની કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય પણ છે. મે-1951માં સંસદના અધિનિયમ દ્વારા આ સંસ્થાને કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવી હતી.
