PMએ વારાણસીમાં સિક્સલેન NH-19 અને પાવનપથ વેબપોર્ટલ આરંભ કરાવ્યો
Live TV
-
દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. પ્રધાનમંત્રી વારાણસીના રાજઘાટ પર દેવ દેવાળીના ઉત્સવમાં સામેલ થઈ દીવડા પ્રગટાવી પ્રકાશપર્વની શરૂઆત કરાવી હતી.મહત્વનું છે કે, આ પ્રસંગે ગંગા નદીના બંન્ને કાંઠે 11 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ઠેર-ઠેર રોશનીના કારણે રાજઘાટ પર અદભૂત નજારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ સૌને પ્રકાશપર્વ દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, કાશી આજે લાખો દીવડાના રોશનીથી ઝળહળી રહ્યું છે. તેથી કાશી આજે દુનિયાને રસ્તો બતાવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, દેવો આજે પણ વારાણસીમાં દિવાળી મનાવી રહ્યા છે. આ સાથે કોરોના કાળમાં પણ કાશી જીવંત હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું આ અગાઉ પ્રધાનમંત્રી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગંગા નદીમાં ક્રુઝ દ્વારા ડોમરી ઘાટથી લલિતા ઘાટ સુધીની મુસાફરી કરી હતી. લલિતા ઘાટથી તેમનો કાફલો વિશ્વનાથ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. અને ત્યારબાદ મંદિર કોરીડોરના વિકાસકાર્યોનું સ્થળીય નિરીક્ષણ કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ કાશી મંદિરોથી જોડાયેલા પાવનપથ વેબપોર્ટલની શરૂઆત કરાવી હતી. આ અગાઉ પ્રધાનમંત્રીએ રૂપિયા 2 હજાર 447 કરોડના ખર્ચે બનેલા સિક્સલેન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19ને રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાબા વિશ્વનાથના આર્શિવાદથી આજે આ સિક્સલેન હાઈ-વેનું નિર્માણ કરાયું છે. આ સાથે છેલ્લા 6 વર્ષમાં કાશીમાં હજારો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. અને હાઈ-વે સિક્સલેન થતાં વારાણસી, લખનઉ અને ગોરખપુરની મુસાફરી સરળ બનશે.તેમજ 70 કિલોમીટરથી વધુની મુસાફરી સરળ અને ઝડપી બનશે.
