PM આજે ફ્રાન્સના પ્રવાસ માટે થશે રવાના, AI સમિટની કરશે સહ-અધ્યક્ષતા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમિટમાં હાજરી આપવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર આ સમિટમાં હાજરી આપશે. તેઓ આ પરિષદનાં સહ-અધ્યક્ષ પણ રહેશે.
મુલાકાતનાં પહેલાં દિવસે, એટલે કે 10 ફેબ્રુઆરીની સાંજે, પ્રધાનમંત્રી મોદી રાત્રિભોજનમાં હાજરી આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સમિટમાં ભાગ લેનારા સરકારોના વડાઓ/રાષ્ટ્રપ્રમુખો અને અન્ય અગ્રણી નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું છે.
આ રાત્રિભોજનનો ઉદ્દેશ્ય દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. આ રાત્રિભોજન પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે યોજાશે, જ્યાં ટેક ક્ષેત્રના ઘણા મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) પણ હાજર રહેશે.
આ ત્રીજી ઉચ્ચ-સ્તરીય AI સમિટ છે. અગાઉ, 2023 માં યુકેમાં અને 2024 માં દક્ષિણ કોરિયામાં પરિષદનું આયોજન કરાયું હતું. આ સમિટ દ્વારા, ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સહયોગ વધુ મજબૂત બનશે.
