PM મોદી આવતીકાલે ગોવાની મુલાકાતે, મુક્તિ દિનની ઉજવણીમાં લેશે ભાગ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બપોરે 3 કલાકની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઊજવણી નિમિત્તે યોજાનારા સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં ઓપરેશન વિજયના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન વિજયની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે. તેઓ ગોવા ખાતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ટ્રસ્ટના ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઑફ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ભૂમિપૂજન પણ કરશે.
સમગ્ર દેશમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને ટોપ ક્લાસ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. એમનાં આ વિઝનને અનુરૂપ, ગોવા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રૂ.380 કરોડથી વધુના ખર્ચે સુપર સ્પેશિયાલિટી બ્લૉકનું નિર્માણ કરવામાં આવ્યું છે.રાજ્યમાં આ એક માત્ર અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ છે જે ઉચ્ચ સ્તરીય સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે. તે એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ ઇત્યાદિ જેવી સ્પેશ્યિલાઇઝ્ડ સેવાઓ પૂરી પાડશે. મોપા હવાઇ મથકે એવિયેશન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આશરે રૂ. 8.5 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે અને તેનો હેતુ 16 જુદીજુદી જૉબ પ્રોફાઇલ્સમાં તાલીમ પૂરી પાડવાનો છે.
પ્રધાનમંત્રી ગોવાને પોર્ટુગલીઝ શાસનમાંથી મુક્ત કરતા ભારતીય સશસ્ત્ર દળોના સ્મૃતિ ઉત્સવ નિમિત્તે સ્પેશિયલ કવર અને સ્પેશિયલ કૅન્સેલેશન પણ પ્રસિદ્ધ કરશે. ઈતિહાસનું આ ખાસ પ્રકરણ સ્પેશિયલ કવર પર દર્શાવાશે જ્યારે સ્પેશિયલ કૅન્સેલશન ઓપરેશન વિજયમાં પોતાનાં જીવ ગુમાવનારા સાત યુવા વીર નાવિકો અને અન્ય જવાનોની યાદમાં નિર્મિત ભારતીય નૌકા જહાજ ગિમંતક ખાતે યુદ્ધ સ્મારકનું ચિત્ર રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'માય સ્ટેમ્પ' બહાર પાડશે જે ગોવા મુક્તિ સંગ્રામના શહીદોએ આપેલાં મહાન બલિદાનને સલામી આપતા પત્રાદેવી ખાતેના હુતાત્મા સ્મારકનું ચિત્ર રજૂ કરશે. ગોવા મુક્તિ સંગ્રામ દરમ્યાનની વિવિધ ઘટનાઓનાં ચિત્રોનાં સમૂહનું એક ચિત્ર રજૂ કરતા ‘મેઘદૂત પૉસ્ટ કાર્ડ’ને પણ પ્રધાનમંત્રીને રજૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રેષ્ઠ પંચાયત,નગરપાલિકા, સ્વયંપૂર્ણ મિત્રો અને સ્વયંપૂર્ણા ગોવા પ્રોગ્રામના લાભાર્થીઓને પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત દરમિયાન બપોરે 2.15 કલાકે પણજીના આઝાદ મેદાન ખાતેના શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બપોરે 2.30 કલાકે તેઓ મિરામાર, પણજી ખાતે સેલ પરેડ અને ફ્લાઈ પાસ્ટમાં હાજરી આપશે.
