સરકારે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 3 લાખ 61 હજાર મકાનો બાંધવાની 708 દરખાસ્તોને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની 54 મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ પણ 'એવોર્ડ 2021 - 100 દિવસ પડકાર' મિશન શરૂ કર્યું હતું. આ ધ્યેયોના સફળ અમલીકરણ માટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને લાભાર્થીઓનાં ઉત્કૃષ્ટ યોગદાન અને કામગીરીને માન્યતા આપવા માટે આ પુરસ્કારો આપવામાં આવે છે.
કોવિડ રોગચાળાની બીજી લહેર દરમિયાન કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિની આ પ્રથમ બેઠક હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે નિર્ધારિત સમયગાળામાં દેશભરમાં આવાસો બાંધકામનું કામ ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે.
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ એક કરોડ 12 લાખ 40 હજાર મકાનોને મંજૂરી આપવામાં આવી છે. આમાંથી 82 લાખ પચાસ હજાર મકાનો નિર્માણાધીન છે અને આ 48 લાખ 31 હજાર મકાનો લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા છે..