અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે "નવરાત્રી કચ્છી હસ્તકલા મેળા" નું આયોજન
Live TV
-
અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે આજથી આગામી તારીખ 20 મી ઓક્ટોબર સુધી "નવરાત્રી કચ્છી હસ્તકલા મેળા" નું આયોજન કરવામાં આવ્યું છે. 12 દિવસ સુધી ચાલનારા આ હસ્તકલા મેળામાં કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના આશરે 85 થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કલાકૃતિનું સર્જન કરતાં કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ શકે તેવા શુભ આશય સાથે કોવિડ-૧૯ ના તમામ નિયમોના ચુસ્ત પાલન સાથે આ "નવરાત્રી કચ્છી હસ્તકલા મેળા" નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉધોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા સહિતની ઘણી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે, ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. આ ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળ હેતુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી, તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.
