અમદાવાદ: કોરોના કાળમાં સિવિલ ખાતે બાહોશીથી ફરજ નિભાવતા દિવ્યાંગ કર્મી
Live TV
-
સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કર્મી ગીરીશભાઈ કોરોનામાં એક પણ રજા ભોગવ્યા વગર બજાવી રહ્યા છે તેમની ફરજ
અમદાવાદના ગીરીશભાઈ ગોહિલ છેલ્લા પાંચ વર્ષથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લિફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. તેઓ જણાવે છે કે “થોડા સમય પહેલા પડી જવાથી મારું થાપાનું હાડકું ભાંગી ગયું હતું. હું આ જ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને અહીંયા જ સારવાર મળી હતી અને કુદરતનો ક્રમ જુઓ કે હું આજે અહીંજ એટલે કે સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓની સેવા કરી રહ્યો છું.”
દરવર્ષે 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસ ઉજવવામાં આવે છે. શારીરિક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે. જ્યારે ગીરીશભાઈ જેવા લોકો માટે તો રોજ ડિસેબિલીટી ડે હોય છે, પણ ગીરીશભાઈ પોતાની શારીરિક દિવ્યાંગતાને પોતાની ફરજની આડે આવવા દેતા નથી.
કોરોના મહામારી દરમિયાન પણ ગીરીશભાઈએ દિવસ રાત ફરજ બજાવી છે. એક પણ રજા ભોગવ્યા વિના તેમજ પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોનાના કાળમાં દર્દીઓને લિફ્ટમાં લાવવા લઈ જવા ઉપરાંત તેમને દાખલ કરવામાં તેઓ સહાયરૂપ થયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મનથી મક્કમ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત ગીરીશભાઈ પણ એક કોરોના વોરિયર જ છે.
શારીરિક ખામીઓના લીધે હરવા ફરવામાં તકલીફ અનુભવતા ગીરીશભાઈ માનસિક રીતે હંમેશા મક્કમ રહ્યા છે.
