અમદાવાદ: 11 વર્ષની બ્રેઇન ટ્યુમરગ્રસ્ત ફ્લોરાને 1 દિવસ માટે કલેકટરની જવાબદારી સોંપાઈ
Live TV
-
અમદાવાદ કલેકટર સંદીપ સાંગલેએ સમાજ સેવાના કાર્યનો ઉત્તમ દાખલો બેસાડયો છે. મેક વીશ ફાઉન્ડેશન ૩ થી ૧૮ વર્ષની ઉંમરના જીવલેણ માંદગી ગ્રસ્ત બાળકોની ઈચ્છા પૂરી કરી રહી છે.
અમદાવાદ કલેકટર સંદીપ સાંગલેએ 11 વર્ષની બ્રેઇન ટ્યુમર ગ્રસ્ત દીકરી ફ્લોરા આસોડિયાને એક દિવસ માટે અમદાવાદ કલેકટરની જવાબદારી સોંપીને સંવેદનશીલ સમાજ સેવાના કાર્યનો ઉત્તમ દાખલો બેસાડયો છે. અમદાવાદમાં ચાલતા મેક વીશ ફાઉન્ડેશન ૩ થી ૧૮ વર્ષની ઉંમરના જીવલેણ માંદગી ગ્રસ્ત બાળકોની ઈચ્છા પૂરી કરવાનું કામ કરી રહ્યું છે. છેલ્લા 23 વર્ષમાં આ ફાઉન્ડેશને ભારતમાં 65000 બાળકોની ઈચ્છા પૂરી કરી છે. બ્રેઇન ટ્યુમર ગ્રસ્ત ફ્લોરા આસોડિયાની કલેકટર બનવાની ઈચ્છા પૂરી કરવામાં આવી હતી. કલેકટર બન્યા બાદ ફ્લોરા આસોડિયાએ સરકારની 'વ્હાલી દીકરી યોજના’ તથા ‘વિધવા સહાય યોજના’ અંતર્ગત ગંગાસ્વરૂપ બહેનોને પ્રમાણપત્ર અને ચેક આપવાનું કાર્ય કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ ફ્લોરાના પરિવાર પાસેથી ફ્લોરાની ઈચ્છા જાણીને તેને એક ટેબ્લેટ, બાર્બી ગર્લ સેટ આપ્યો હતો. આ ઉપરાંત કલેક્ટરના ચેમ્બરમાંજ ફ્લોરાના જન્મ દિવસ નિમિત્તે કેક પણ કાપવામાં આવી હતી. આ પ્રસંગે દીકરીના માતા-પિતા તેમજ કલેકટર કચેરીના કર્મચારીઓ ભાવવિભોર થઇ ગયા હતા.
