અસમ સરકારે NDDBને સોંપવામાં આવેલા WAMULના મેનેજમેન્ટને વધુ 5 વર્ષ માટે લંબાવ્યું
Live TV
-
NDDB અસમના ગ્રામીણ દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છેઃ મીનેશ શાહ
અસમમાં પશુપાલન અને ગ્રામ્ય આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડના ચેરમેન મીનેશ શાહ 6 ઑગસ્ટ, 2021ના રોજ ગુવાહાટીમાં અસમના માનનીય મુખ્યમંત્રી ડૉ. હેમંતા બિસ્વા સરમાને મળ્યાં હતા.
ડૉ. સરમાએ અસમમાં ડેરી સંસ્થાઓમાં આગામી વૃદ્ધિની આગાહી કરી હતી. માનનીય મુખ્યમંત્રીએ ડેરીના આંતરમાળખાંને વિકસાવવામાં અને સેક્સ સોર્ટેડ સીમેન અને એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી મારફતે દૂધાળા પશુઓમાં ઉત્પાદકતા વધારવાના નવીન માર્ગો અપનાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, NDDBનો હસ્તક્ષેપ અસમના ગ્રામીણ દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરશે અને ગ્રામીણ પરિવારોમાં ખૂજ જરૂરી પરિવર્તન લાવશે.
NDDBના ચેરમેને અસમની ડેરી સંસ્થાઓને આવશ્યક સમર્થન પૂરું પાડવાની ખાતરી આપી હતી, જેથી કરીને તેઓ તેમના સભ્યોને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકે. NDDB અને તેની સહાયક સંસ્થાઓ પહેલેથી જ અસમમાં પશુપાલનના વિકાસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. જે સંસ્થાઓ સહકારી વ્યવસ્થાના મૂલ્યોને વળગી રહી છે, તેને NDDB હંમેશા સમર્થન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત, શ્રી મીનેશ શાહ અસમ સરકારના કૃષિ, બાગાયતી, પશુપાલન અને પશુચિકિત્સા, સરહદી વિસ્તારના વિકાસ, અસમ એકોર્ડના અમલીકરણ તથા સહકાર બાબતોના મંત્રી શ્રી અતુલ બોરાને પણ મળ્યાં હતા અને પશુપાલનના વિકાસના વિવિધ પાસાંઓ અંગે તથા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના રોડમેપની રચના કરવા અંગે ચર્ચા કરી હતી.
અસમ સરકારે NDDBને બંધ થવાને આરે આવી ગયેલા વેસ્ટ અસમ કૉઑપરેટિવ મિલ્ક યુનિયન (WAMUL)નું વ્યવસ્થાપન કરવાની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, NDDBએ વર્ષ 2008માં તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું. દૂધ સહકારી મંડળીઓને પુનઃસ્થાપિત/પુનરુત્થાન કરવામાં NDDBના હસ્તક્ષેપની અસરોને ધ્યાનમાં રાખી અસમ સરકારે NDDBને સોંપેલા WAMULના મેનેજમેન્ટને વધુ 5 વર્ષના સમયગાળા માટે લંબાવ્યું છે. આ સંબંધે થયેલ કરાર પર 6 ઑગસ્ટ, 2021ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, હાલમાં WAMUL 13,916 પશુપાલકો પાસેથી સરેરાશ દૈનિક 41000 કિગ્રા દૂધ મેળવે છે. હાલમાં ‘પુરબી’ બ્રાન્ડનું પ્રતિ દિન 64,000 લીટર દૂધ બજારમાં વેચાય છે. કોવિડ-19 રોગચાળાને કારણે માર્કેટ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો હોવા છતાં, WAMULએ રૂ. 120 કરોડનું સેલ્સ ટર્નઑવર કર્યું હતું.
