આજથી મહુવા, પોરબંદર અને ગોંડલ ખાતે ડુંગળી ખરીદીની પ્રક્રિયા શરૂ
Live TV
-
આજથી મહુવા, પોરબંદર અને ગોંડલ ખાતે ડુંગળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ડુંગળીના ગગડતા ભાવ સામે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને આર્થિક પીઠબળ પૂરું પાડવાનો નાફેડનો સરાહનીય પ્રયાસ છે. જ્યારે બીજી તરફ સીઝનના 20 દિવસ પહેલાં જ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થતા કેરી રસિકોમાં પણ આનંદ છે.
કેન્દ્ર સરકારના આદેશને પગલે આજથી રાજ્યના મહુવા, પોરબંદર અને ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી છે . મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ખરીદીનો પ્રારંભ કરાતા ખેડૂતોને ડુંગળી વેચાણ માટે વધુ વિકલ્પ મળ્યા છે. નાફેડ દ્વારા મહુવા યાર્ડમાં 8.29 રૂપિયા પ્રતિકીલોના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતો હવે ડુંગળી લુઝ પણ વેચી શકશે. ઉપરાંત ડુંગળીના બારદાનનો અને મજૂરીનો ખર્ચ પણ ખેડૂતોને નહી ભોગવવો પડે. જેનો સીધો આર્થિક ફાયદો ખેડૂતોને થશે. તો બીજી તરફ રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે પ્રતિકીલોએ રૂપિયા બેની સબસીડી જાહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.