આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ; જાણો તેમના જીવન વિશેની જાણી અજાણી વાતો
Live TV
-
દસમા શીખ ગુરુ - ગુરુ ગોવિંદ સિંઘની આજે જન્મ જયંતિ છે. દેશભરમાં શીખ સમુદાય દ્વારા જુદા-જુદા સ્થળો પર અનેક કાર્યક્રમોના આયોજન થકી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથો સાથ ઉજવણી દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પણ ચુસ્તપણે પાલન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
ગુરુ ગોવિંદ સિંહ શીખો સમુદાયના 10 માં ગુરુ હતા. શીખોના 10 માં ગુરુ ગોવિંદ સિંહનો જન્મ બિહારના પટના સાહિબમાં 22 ડિસેમ્બર 1666 ના રોજ થયો હતો. ગુરુ ગોવિંદ સિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું. ગુરુ તેગ બહાદુરજી શીખ સમુદાયના 9મા ગુરુ હતા. ગુરુ સાહેબનો જન્મ થયો ત્યારે તે સમયે ગુરુ તેગ બહાદુર સાહેબ બંગાળ અને આસામની યાત્રા પર હતા.પરિવારના છોકરાઓ ગુરુ ગોવિંદને પ્રેમથી ગોવિંદરાય કહેતા હતા. ગુરુ ગોવિંદ સિંહનું બાળપણ પટનામાં વિત્યું હતું. ત્યાં તે બાળપણમાં બાળકો સાથે તીર-લડાઇ, કૃત્રિમ યુદ્ધ જેવી રમતો રમતા હતા. જેના કારણે બાળકોએ તેમને સરદાર તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું. તેમને હિન્દી, સંસ્કૃત, પર્શિયન, બ્રિજ વગેરે ભાષાઓનું ખૂબ જ્ઞાન હતું.
નવેમ્બર 1675 માં ગુરુ તેગ બહાદુરની શહાદત પછી, ગુરુ ગોવિંદ સિંહે 09 વર્ષની વયે રાજગાદી સંભાળી. તેઓ નિર્ભય અને બહાદુર યોદ્ધા હતા. તેમની બહાદુરી વિશે લખવામાં આવ્યું છે કે, “સવા લાખ સે એક લડાઉ ચિડીયો સે મેં બાજ લડાઉ તબ ગોવિંદ સિંહ નામ કહાઉ".
ગુરુ ગોવિંદ સિંહે 1699 માં ખાલસા પંથની સ્થાપના કરી હતી. ખાલસાનો અર્થ શુદ્ધ થાય છે. ત્યારથી તેમણે દરેક શીખને કિર્પણ અથવા શ્રીસાહેબ પહેરવાનું કહ્યું. તેમણે ખાલસાને અવાજ આપ્યો “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ”. તેમણે જ શિખો માટે ‘પાંચ કકારા’ કેશ, કડું, કિર્પાણ, કાંઠા અને કચ્છાને ફરજિયાત બનાવ્યા હતા.
ધર્મની રક્ષા માટે ગુરુ ગોવિંદ સિંહજીએ તેમના આખા કુટુંબનું બલિદાન આપ્યું હતું. તેમના બે પુત્રોને દિવાલોમાં જીવંત ચણી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર 1708 માં તેમનું અવસાન થયું. ત્યારથી, ગુરુ ગ્રંથ સાહિબ શીખોના કાયમી ગુરુ બન્યા છે.
તેમના જીવન દરમિયાન તેમણે અનેક પ્રેરણાદાયી વિચારો આપ્યા છે. જેમાંથી તેમના 5 પ્રેરણાદાયક વિચારો નીચે મુજબ છે-
ગુરૂ ગોવિંદના 5 પ્રેરણાદાયક વિચાર:1. જો કોઈને વચન આપો, તો તેને કોઈ પણ કિંમતે પૂરું કરવું જોઈએ.
2. કોઈની નિંદા કરવાથી બચવુ જોઈએ તેમજ બીજાની ઈર્ષ્યા કરવાને બદલે જાતે મહેનત કરવાથી ફાયદો થાય છે.
3. તમારા કામમાં ખૂબ મહેનત કરવી જોઈએ અને કામને લઈને કોઈ દિવસ બેદરકારી ન રાખવી જોઈએ.
4. હંમેશા ગુરૂબાનીને યાદ કરવી જોઈએ.
5. માણસ જે પણ કામ કરે તેનો દસમો ભાગ દાનમાં આપી દેવો જોઈએ.