આજે પ્રવાસી ભારતીય દિવસ-2022: જાણો આ દિવસનું મહત્વ
Live TV
-
આજે દેશભરમાં પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે પ્રવાસી ભારતીય સમુદાયને એક ટ્વિટ મારફત શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ ટ્વિટમાં કહ્યું હતું કે, વિદેશમાં અલગ ઓળખ ઉભી કરનાર ભારતીય સમુદાયો હંમેશા ભારતીય સંસ્કૃતીથી જોડાયેલા રહ્યાં છે. આજના આ પ્રસંગે વિદેશ મંત્રાલય દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પરંતુ આજે જ કેમ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ દિવસનું કેમ મહત્વ છે? તેના વિશે જાણીયે કેટલીક જાણી અજાણી વાતો.
દર વર્ષે 9 મી જાન્યુઆરીના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. 9 જાન્યુઆરી, 1915 માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રીકાથી ભારત પરત આવ્યા હતા અને તેમને એક મહાન પ્રવાસી માનવામાં આવે છે. આ કારણે જ ભારત સરકાર દ્વારા પ્રત્યેક 9 મી જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. પ્રવાસી દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ ભારતના વિકાસમાં વિશ્વના અન્ય દેશોમાં રહેતાં ભારતીયોના યોગદાનની ઓળખ અપાવવાનો છે. પ્રવાસી ભારતીય દિવસ પ્રથમ વાર વર્ષ 2003 માં મનાવવામાં આવ્યો હતો. ત્યારે આજે કોરોના મહામારી વચ્ચે પણ વર્ષે 16 માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની મુખ્ય થીમ આત્મનિર્ભર ભારતમાં યોગદાન રાખવામાં આવી છે.
ભારતમાંથી બહાર જઇને વિશ્વના અન્ય દેશોમાં જઇને વસતા લોકોને પ્રવાસી ભારતીય કહેવામાં આવે છે. આંકડાકીય માહિતી અનુસાર 110 દેશોમાં લગભગ અઢી કરોડ પ્રવાસી ભારતીય જીવન ગુજારી રહ્યા છે. પ્રવાસી ભારતીઓએ વિદેશોમાં રહીને પણ પોતાની સાંસ્કૃતિક તેમજ ભાષાકીય વિરાસતને જાળવી રાખવાના કારણે ભારતને વિશ્વ સ્તરે એક અનેરી ઓળખ મળી છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન સહિત કેટલાક એવા દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં ભારત સહિત વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ વસવાટ કરે છે.
પ્રવાસીઓનું દેશની પ્રગતિમાં મોટુ યોગદાન માનવામાં આવે છે. ગત દિવસોમાં વિશ્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના દેશમાં વિદેશી રકમ મોકલવાના કેસમાં ભારતીય પ્રવાસી સૌથી આગળ રહ્યા છે. રિપોર્ટ જણાવે છે કે, પ્રવાસી ભારતીયોએ વર્ષ 2018 માં 80 અરબ ડોલર એટલે કે 57 હજાર કરોડ રૂપિયા ભારત મોકલ્યા છે.
આ ઉપરાંત સૌથી વધારે પ્રવાસી ભારતીય ગલ્ફ દેશોમાં રહે છે. ગલ્ફ દેશોમાં લગભગ 30 લાખ પ્રવાસી ભારતીય રહે છે. બ્રિટેનમાં લગભગ 10 લાખ પ્રવાસી ભારતીય છે. કેનેડામાં લગભગ દોઢ લાખ પ્રવાસી ભારતીય રહે છે. એક અંદાજ અનુસાર ગલ્ફ દેશમાં રહેતાં 70 ટકા પ્રવાસી ભારતીય એટલે કે લગભગ 21 લાખ લોકો ગલ્ફ દેશોમાં મહેનત અને મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા પણ ગત વર્ષે વતન પ્રેમ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં મૂળ ગુજરાતના વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો પોતાના વતનના વિકાસ માટે પરદેશ રહીને પણ પોતાની ફાળો આપી શકે છે. જેમાં સરકાર દ્વારા પણ તેમને પ્રોત્સાહન અને ફાળો આપવામાં આવે છે.