આજે વિશ્વ માનવ અધિકાર દિવસ; જાણો કેમ ઉજવાય છે આ ખાસ દિવસ
Live TV
-
માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝૂંટવાય નહી તેવી મુળભૂત આકાંક્ષાઓની જાળવણી માટે આજે એટલે કે, 10 મી ડિસેમ્બરને દર વર્ષે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દરેક માનવી પોતે મૂળભૂત રીતે જ જન્મની સાથે જે અધિકારો સાથે જન્મે છે, અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્મે છે, જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. 'માનવ અધિકાર' શબ્દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.
ભૂતકાળમાં થયેલા બે વિશ્વયુદ્ધ માનવતા, માનવ મૂલ્ય અને માનવ સંસ્કૃતિનાં વિધ્વંસક પરિબળો હતા. ભયાનક અંધકારમાંથી પ્રકાશનો ઉદય થયો અને અંતે 10 મી ડિસેમ્બર 1948 ના રોજ સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો. આ ઘોષણા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્મથી સમાન છે, અને તમામને કોઇપણ જાત-જાતિ, વર્ણ, ભાષા, ધર્મ, રાજકીય કે અન્ય વિચારો, રાષ્ટ્રીય કે સામાજીક મૂળ, મિલકત, જન્મ કે અન્ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્વાતંત્રતાઓ પ્રાપ્ત થાય છે. બસ, ત્યારથી જ 10 મી ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દુનિયાનાં આશરે 120 દેશોએ માનવ અધિકાર દિવસને અનુમતી આપી છે. ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના 1993 માં થઇ હતી તેમજ ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી છે.
