Skip to main content
Settings Settings for Dark

આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની આજે 72મી પુણ્યતિથિ, જાણો સરદાર સાહેબ વિશે સંપૂર્ણ અહેવાલ

Live TV

X
  • સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ ગામમાં થયો હતો. વલ્લભભાઈનો ઉછેર તેમના મોસાળ ગામ કરમસદમાં થયો હતો. વલ્લભભાઈના પિતા એક દેશભક્ત અને સાહસિક માણસ હતા. તેમણે 1857ના બળવામાં ભાગ લીધો હતો. તેમની માતા લાડબાઈ ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેમ છતાં તેમનો ધાર્મિકતા તેમની ઘરની જવાબદારીઓમાં દખલ દેતી ન હતી. જવેરભાઈને સોમાભાઈ, નરસીભાઇ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ એમ પાંચ સંતાનો હતા તેમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પાછળના વર્ષોમાં પ્રખ્યાત થયા હતા. વલ્લભભાઈએ 22 વર્ષની ઉંમરે નડિયાદમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઘણી નાની ઉંમરે થી જ વલ્લભભાઈએ વિદ્યાર્થી તરીકેની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ દર્શાવી હતી. મેટ્રિકયુલેશન પછી યુવાન પટેલે પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈના પગલે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પાછળથી તેઓ લંડનની મીડલ ટેમ્પલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને એક બેરિસ્ટર બન્યા હતા. વલ્લભભાઈના લગ્ન ઝવેરબા જેઓ ઝવેરબાઈ ના નામે પણ ઓળખાતા હતા તેમની સાથે થયા અને તેમને બે સંતાનો થયા. સરદાર પટેલે એક વકીલ તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ વર્ષ 1900માં ગોધરામાંથી શરુ કરી હતી. ટૂંક સમયમાં જ વલ્લભભાઈ પટેલે પોતાને એક કાબેલ અને સક્ષમ ફોજદારી વકીલ તરીકે પ્રસ્થાપિત કરી લીધા. સરદાર પટેલ એક પ્રખર વકીલ હતા જે એક પ્રસંગ પરથી જણાશે કે જેમાં પટેલ એક સાક્ષીની ઉલટ-તપાસ ચલાવી રહ્યા હતા અને તે વખતે તેમને પોતાની પત્નીના અવસાનના દુ:ખદ ખબર મળ્યા પરંતુ જ્યાં સુધી તે કેસની કાર્યવાહી પુરી ન થઇ ત્યાં સુધી તેઓએ પોતાની તપાસ ચાલુ જ રાખી. તેમને એક બૅરિસ્ટર બનવું હતું તેથી સરદાર પટેલ વધુ અભ્યાસ માટે લંડન ગયા અને ત્યાં જેનો  અભ્યાસક્રમ 36 મહિનાનો હતો તે તેમણે ફક્ત 30 મહિનામાં જ પૂરો કર્યો.

    સરદાર પટેલ બિહારના ચંપારણ ગામમાં ગાંધીએ કરેલા કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા કે જ્યાં ગાંધીએ કચડાયેલા અને દબાયેલા ખેડૂતો માટે એક સત્યાગ્રહ આયોજિત કર્યો હતો કે જેમની પાસે બળજબરીથી ગળીનો પાક લેવડાવવામાં આવતો હતો અને તે પાકને પાછળથી તેમની પાસેથી જ અત્યંત ઓછી કિંમતે ખરીદવામાં આવતો હતો. ગ્રામજનોને પણ જમીનદારો પાસેથી ખૂબ ઓછું વળતર મળતું હતું અને દુષ્કાળ હોવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા કર વધારો નાખવામાં આવવાથી ખેડૂતોની દુ:ખદ યાતનાઓમાં વધારો થયો હતો. ગાંધીએ બ્રિટિશરો દ્વારા ટેકો મેળવતાં જમીનદારો સામે વિરોધ નોંધવા હડતાલ નું આયોજન કર્યું અને આખરમાં બ્રિટિશરોને ગાંધી દ્વારા મુકવામાં આવેલી શરતો મંજુર કરવા સંમતિ આપવી પડી. આ સત્યાગ્રહની સરદાર પટેલના મનમાં ગહન અસર પડી અને તેમણે ગાંધીને પોતાના માર્ગદર્શક, ફિલસૂફ અને મિત્ર તરીકે સ્વીકાર્યા. આ પ્રેરણાનું એક ઉદાહરણ આપણને સરદારે વર્ષ 1917માં બોરસદમાં આપેલા એક ભાષણમાંથી દેખાશે જેમાં તેમણે  ગાંધીની બ્રિટિશ પાસેથી 'સ્વરાજ' (સ્વ નિયમ) ની માંગણીની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. સરદાર જેઓ ગુજરાત સભાની કારોબારી સમિતિના સચિવ હતા તેઓ હવે વેઠ પ્રથા વિરુદ્ધ લડતા હતા અને ખેડા જિલ્લામાં ફાટી નીકળેલા પ્લેગ અને ભૂખમરાની પરિસ્થતિને પહોંચી વળવા રાહત કાર્યોનું આયોજન કરતા હતા. ગાંધી જયારે ચંપારણમાં વ્યસ્ત હતા ત્યારે તેમને ખેડા જિલ્લાના ખેડૂતોની ચળવળની આગેવાની કરે તેવા એક ગુજરાતી કાર્યકરની જરૂર હતી અને તે માટે સરદાર પટેલ સ્વેચ્છાએથી આગળ આવ્યા. આમ આવી હતી સરદાર ઉપર ગાંધીના કાર્યની અસર. 

    બોરસદમાં સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તે સમય દરમ્યાન પટેલે પોતાનો અવાજ ઊંચો કર્યો અને તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી. 1928માં સરદારે પોતાનું ધ્યાન બારડોલી તરફ વળ્યું જ્યાં કપરો દુષ્કાળ પડ્યો હોવાથી તકલીફો વધી હોવા છતાં  ભારે કર વધારો કરવામાં આવ્યો હતો અને આમ પણ એ સમયે  કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર કરવા એક ચળવળ ચાલુ કરવામાં આવી હતી. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ ને તેમના સાથીદારો અને અનુયાયીઓ ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા "

    ભારત છોડો આંદોલન એ ગાંધી દ્વારા સૂચવવામાં આવેલ એક પૂર્ણ કક્ષાનું અસહકાર આંદોલન હતું કે જેના દ્વારા દબાણપૂર્વક બ્રિટિશ શાસને ભારત છોડવાનું હતું. શરૂઆતમાં પંડિત નહેરુ, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે એ આ દરખાસ્તની ટીકા કરી હતી, પરંતુ સરદાર પટેલ તેના પ્રખર ટેકેદાર બન્યા હતા. ગાંધીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ છેવટે 7મી ઓગસ્ટ 1942માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. પોતાની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને સંબોધીને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. પટેલે મુંબઈ સ્થિત ગોવાળીયા ટેંક મેદાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની સામે ભાષણ પણ આપ્યું હતું. 9મી ઓગસ્ટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપુર્ણ કોંગ્રસ કાર્યકરી સમિતીની સાથે ત્રણ વર્ષ અહમદનગર કિલ્લાના કારવાસમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. આ બળવાની અસર એટલી જબરદસ્ત હતી કે વર્ષ 1945માં જયારે સરદારને મુક્ત કરવામાં આવ્યા ત્યારે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા હતા.

    જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માંડયો ત્યારે ભારતીય રાજ્યોના નવાબો અને રાજાઓને વ્યૂહાત્મક સાથીઓ તરીકે જોવામાં આવ્યાં હતા. કંપનીએ આ રાજ્યોના શાસકો પર સંધિ કરવાની ફરજ પાડી હતી જેના દ્વારા કંપનીને સર્વોત્તમ સત્તા તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ ઑગસ્ટ  1947માં બ્રિટીશને પાછા ખેંચી લેવાથી, આ સર્વોચ્ચતાના અંત આવશે અને આ ભારતીય રાજ્યોના શાસકો ફરી એક વખત મુક્ત થશે. ભારતના કુલ પ્રદેશના બે પંચમાંશ ભાગમાં રજવાડાઓનો સમાવેશ થતો હતો. દેશમાં કુલ 565 રાજ્યો હતા કે જેમને 15મી ઓગસ્ટ, 1947ની મધરાત પછી ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની તક આપવામાં આવી હતી.

    બિકાનેર અને બરોડા જેવા કેટલાક રાજ્યો ઝડપથી ભારત સાથે જોડાઈ ગયા હતા પરંતુ કાશ્મીર અને મણિપુર જેવા અન્ય રાજ્યો મહિનાઓથી સુધી ઢચુંપચું રહ્યાં હતા. કાઠિયાવાડના મધ્ય ભાગમાં આવેલ જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું હતું. ત્રાવણકોરે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી અને ભારતના હાર્દસમા હૈદરાબાદ કે જે ભારતનું સૌથી ધનવાન ભારતીય રાજ્યોમાંનું એક રાજ્ય હતું તે તો સ્વતંત્ર રાષ્ટ્ર બનવાના સ્વપ્નમાં રાચતું હતું. સરદાર પટેલને આ અંધાધૂંધી દરમ્યાન સંભવિત આંતરવિગ્રહ થવાના એંધાણ દેખાતા હતા. પાર્ટીશનની હિંસાએ લોકોમાં ભય અને અવિશ્વાસની ઊંડી લાગણી ઊભી કરી હતી. યુવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકનારા કોઈ પણ પરિબળને ટાળવા માટે પટેલે 72 વર્ષની જૈફ વયે આ પડકારજનક કાર્યનું સંચાલન કરવાનો હવાલો સંભાળ્યો. રજવાડી રાજ્યોના જોડાણ તથા સંકલનનું કાર્ય તે લે એ પહેલા, તેમની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી અને તેમને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં, મુક્ત ભારતનાં પ્રથમ કેબિનેટના સભ્ય તરીકે, તેમણે આનાકાની વિના ત્રણ મંત્રાલયોની કમાન હાથમાં લીધી- હોમ, સ્ટેટ્સ અને ઇન્ફોર્મેશન. આ ઉપરાંત, તેઓ ભારતનાં નાયબ વડાપ્રધાન પણ હતા. આ સમયગાળા દરમ્યાન, જ્યારે જ્યારે નેહરુ વિદેશમાં પ્રવાસ કરતા ત્યારે, પટેલે વડા પ્રધાન બનવાની જવાબદારી પણ પોતાના ખભે ઉપાડી.

    રાજ્યો વિભાગના પ્રભારી પ્રધાન તરીકે પટેલે 565 રજવાડી રાજ્યોને એકસાથે લાવવા અને ભારતના સંઘમાં તેમના વહીવટ, તેમની લશ્કરી વ્યવસ્થાઓ અને પ્રણાલીઓનું સંકલન કરવાના સ્મારકરૂપી કાર્યને બાવડે ઉપાડ્યું. તેમણે રાજાઓ અને નવાબો સાથે મળવા માટે વ્યાપક પ્રવાસ કર્યા હતા, વાટાઘાટા માટે બેઠકો યોજી હતી અને સેંકડો પત્રો લખ્યા હતા.

    જાન્યુઆરી 1948માં તેમના સલાહકાર અને માર્ગદર્શક ગાંધીનાં મૃત્યુથી પટેલને ખુબ આઘાત લાગ્યો હતો. માર્ચ 1948માં તેઓ હદયરોગનાં હુમલાનો ભોગ બન્યા હતા. ત્યારબાદ પટેલે કહ્યું હતું કે 'હું મારા બાપુનાં માર્ગે હતો. શા માટે તમે મને રોક્યો?' જે ગાંધી પ્રત્યેના તેમના ગહન જોડાણને દર્શાવે છે. નવેમ્બર 1950માં પટેલ આંતરડાનાં વિકાર અને ઉચ્ચ રક્ત દબાણથી ભારે બીમાર પડ્યા. તેમને વધુ સારવાર માટે બોમ્બે લઇ જવાયા હતા જ્યાં તેમની દીકરી મણીબેને તેમની ખુબ નિષ્ઠાથી સેવા કરી હતી. પરંતુ તેઓ હૃદય ઝાટકાનો ભોગ બન્યા અને 15મી ડિસેમ્બર, 1950ના આરંભના કલાકોમાં, ભારતનાં લોહ પુરુષે છેલ્લી વખત તેમની આંખો બંધ કરી. ભારતના રાષ્ટ્રપતિ, રાજેન્દ્ર પ્રસાદ, વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને અન્ય ઘણા નેતાઓ પટેલના અંતિમ સંસ્કાર માટે મુંબઇ ગયા હતા, જ્યાં 6 માઇલ લાંબુ સરઘસ ભારતના સૌથી મોટા નેતાઓમાંના એકને અંજલિ આપવાની રાહ જોઈ રહ્યું હતું. અંતિમ વિધિઓ બોમ્બેમાં ક્વીન્સ રોડના સ્મશાનગૃહમાં પટેલના પુત્ર, ડાહ્યાભાઈ દ્વારા કરાયી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply