આણંદનાં વિદ્યાર્થીઓએ વર્મી કંપોસ્ટ ખાતર માત્ર 40 દિવસમાં કર્યું તૈયાર
Live TV
-
આણંદનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીએ વર્મી કંપોસ્ટ ખાતરમાં નવતર સંશોધન કરીને સામાન્ય રીતે 90 દિવસમાં તૈયાર થતા વર્મી કંપોસ્ટ ખાતર માત્ર 40 દિવસમાં તૈયાર થાય તેવી ટેકનીક વિકસાવી છે અને હાલમાં આ યુવાન દૈનિક 150 થી 200 કિલો વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર કરીને વેચાણ કરી રહ્યો છે.
બાકરોલ ગામનાં અલ્તાફખાન પઠાણએ સરદાર પટેલ યુનિવર્સીટી સંચાલિત વી.પી. સાયન્સ કોલેેજમાંથી એમ.એસ.સી ઝુઓલોજીનો અભ્યાસ કર્યો છે. ગત લોકડાઉન દરમિયાન અલ્તાફએ ઓન લાઈન શાકભાજી અને ફળનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ શાકભાજી અને ફળમાં વેસ્ટેજ નિકળતો હોઈ પ્રાયોગીક ધોરણે તેમણે વેસ્ટેજમાંથી વર્મી કંપોસ્ટ ખાતર બનાવ્યું હતું અને ત્યારબાદ આ ખાતરનો શાકભાજી અને બાગાયત છોડમાં ઉપયોગ કરતા પરિણામ સારૂ મળ્યું હતું.
પ્રારંભિક પ્રયોગમાં વર્મી કંપોસ્ટ ખાતરમાં પરિણામ સારૂ મળતા અલ્તાફએ શાકભાજી અને ફળનાં વેસ્ટમાં ડિકંપોઝ બેકટેરીયાનો ઉપયોગ કરી વર્મી કંપોસ્ટ ખાતર બનાવતા સામાન્ય રીતે વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર થતા સામાન્ય રીતે 90 દિવસનો સમય લાગે છે પરંતુ ડી કંપોઝ બેકટેરીયાનાં ઉપયોગની ટેકનીકથી આ ખાતર માત્ર 35 થી 40 દિવસમાં તૈયાર થયું હતું.
સરદાર પટેલ યુનિવર્સીટીનાં નવધારા પ્રોજેકટની મદદથી હાલમાં અલ્તાફ પઠાણએ બે બેડ તૈયાર કર્યા છે, જેમાં એક બેડમાં બે હજાર કિલો વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે. આમ 40 દિવસમાં હાલમાં 4 હજાર કિલો વર્મી કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે અને તે હાલમાં બાગાયતી શાકભાજી તેમજ ફળ ફુલનાં છોડ માટે આ ખાતર વેચાણ કરે છે. હાલમાં ઓનલાઈન ઓર્ડર મુજબ તે દૈનિક 200 થી 250 કિલો ખાતર લોકોને પહોંચાડી રહ્યો છે, તેમજ નજીકનાં સમયમાં સરદાર પટેલ યુનિવર્સીટીનાં બાયો સાયન્સ વિભાગ અને ફિઝીકસ વિભાગમાં પણ વર્મી કંપોઝનાં બેડ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ભવિષ્યમાં ખેડુતોને આપવા માટે મોટા પાયે વર્મી કંપોસ્ટ ખાતરનું ઉત્પાદન કરવાની યોજના છે.
