વિરપુરના યુવા ખેડૂતે નવતર પ્રયોગથી કરી લાલ ભીંડાની ખેતી
Live TV
-
આધુનિક સમયમાં ખેતી કરવાની પદ્ધતિઓમાં પણ આમૂલ પરિવર્તનો આવી રહ્યાં છે. ખેડૂતો ખેતીવાડીમાં નિત્ય નવી પદ્ધતિઓ અપનાવીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. આવા જ એક મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ૩૫ વર્ષીય પ્રગતિશીલ યુવા ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા ચિકાશ રહિત લાલ ભીંડાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર ચીકાશ રહિત લાલ ભીંડા લોકોને વધુ આકર્ષી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના વિરપુર ખાતે ગુવાર, ચોળી, રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ છોટુભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનૌથી તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘામાં યુવા પ્રગતિશીલ ખેડૂત જગદિશભાઈએ દેશી ગાયના ગૌ મુત્ર અને છાણના ખાતરથી લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સુક છે. પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય અને શાકભાજી ઉપયોગમાં લેતા જાગૃત લોકો ઘેર બેઠા તેમના શાકભાજી લઈ જાય છે તેથી બહાર વેચવા જવાની જરૂર પડતી નથી. જેનાથી તેમના શાકભાજી બજાર કરતા પ્રતિ કિલો ૨૦ રૂપિયાથી વધુની રકમ મેળવે છે અને શાકભાજીની આ સફળ ખેતી કરીને તેઓ રોજનો સારો નફો મેળવી રહ્યા છે. તેઓ જણાવે છે કે હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી ન કરતા બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે તેમજ બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન પણ મળે છે. આમ જિલ્લાનો આ યુવા ખેડૂત લાલ ભીંડાની સ્વાસ્થયપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી પ્રેરણારૂપ બન્યા છે.
