આણંદ: મીની પેરિસ ગણાતા ભાદરણ ગામમાં શરુ કરવામાં આવી અનોખી 'સાડી બેન્ક'
Live TV
-
આણંદ જિલ્લાનાં મીની પેરિસ ગણાતા ભાદરણ ગામનાં NRI દાતા તેમ જ ગ્રામજનો દ્વારા ચરોતરમાં સર્વ પ્રથમ એવી અનોખી સાડી બેંક શરુ કરવામાં આવી છે. કોરોનાનાં કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી લોકો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સમયે પોતાના પરિવારોમાં કે ઘરમાં શુભ પ્રસંગોમાં ખરીદી કરવામાં લોકોને ભારે તકલીફ પડી રહી છે. મહિલાને સાડીની ખરીદી કરવામાં ભારે ખર્ચો થતો હોવાથી બજેટ પર પણ અસર થતી હોય છે. ત્યારે ભાદરણ ગામમાં શરૂ કરવામાં આવેલ સાડી બેન્ક આવી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનશે. જે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ સાડી ખરીદી શકતી નથી તેઓ આ બેંક દ્વારા સાડી પ્રાપ્ત કરી શકશે.
ભાદરણની સાડી બેંક દ્વારા ભાદરણ અને આજુબાજુ નાના ગામની તમામ મહિલાઓને સાડી વિનામૂલ્યે આપવામાં આવશે. અહીંયાથી સાડી આપ્યા બાદ તેનો ઉપયોગ કરીને તેને પરત આપતા સમય ડ્રાયક્લીન કરીને પરત આપવાની રહેશે. આ સાડી બેંક દ્વારા સાડી આપ્યા બાદ તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી.
બોરસદ મહિલા મામલતદારનાં હસ્તે ભાદરણ ગામે સાડી બેંક ખુલ્લી મુકવામાં આવી હતી. ભાદરણ ગામનાં NRI દાતા દ્વારા આ શક્ય બન્યું છે. સાડી બેંકનાં ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
