ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમ વર્ષા, મધ્ય તથા પશ્ચિમ ભારતમાં પ્રસર્યું ઠંડીનું મોજું
Live TV
-
ઉત્તર ભારતનાં રાજ્યોમાં હિમ વર્ષા થતાં મધ્ય તથા પશ્ચિમ ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે અને હજુ વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનાં વિવિધ વિસ્તારો બરફની ચાદર હેઠળ લપેટાઈ ગયા છે. રોડ-રસ્તા પર 5-6 ફુટ સુધી બરફનાં થર જામ્યા છે. ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. વધતી ઠંડીથી કપાસ જેવા પાકને નુકસાન થવાની વકી છે. જો કે જીરૂ, વરિયાળી અને ઈસબગુલ જેવા પાક માટે આ ઠંડી આર્શિવાદરૂપ સાબિત થઈ શકે છે. બે -ત્રણ દિવસ પૂર્વે ગરમી વરતાતાં ઉનાળાનાં આગમનનાં ભણકારા લાગ્યા હતા. પરંતુ ફરીથી શીત લહેર ફરી વળતા દિવસ દરમિયાન ઠંડુ હવામાન રહેશે અને ગરમી ઘટશે.હવામાન વિભાગનાં આંકડા મુજબ આજે તાપમાન લઘુતમ 14 ડીગ્રી તો બપોર દરમિયાન મહત્તમ 30 ડિગ્રી સુધી જઈ શકે છે.
