ઓર્ગેનિક ગોળનું ઉત્પાદનઃ આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડતાં ગઢડા કંપાના ખેડૂત
Live TV
-
અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો નવીન ખેતી કરીને આત્મનિર્ભર બની રહ્યાં છે અને તેમાંય ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતો વધારે રસ દાખવી રહ્યાં છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું. જો કે બજારમાં શેરડી ક્યાં વેચવી તેનો સવાલ હતો. એટલું જ નહીં થોડાંક સમય બાદ લોકડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી, ઘઉં, ચણા, કપાસ જેવી ખેતી થતી હોય છે. ઉત્તર ગુજરાતમાં શેરડીની ખેતી કરવાનું સાહસ ભાગ્યેજ કોઇ ખેડૂત કરે છે. આવામાં ગઢડા કંપાના ખેડૂત મિતેષ પટેલે નવતર પ્રયોગ કરી ઓર્ગેનિક પદ્વિતી અપનાવી શેરડીની ખેતી કરી હતી. તેમના ખેતરમાં તૈયર થયેલ શેરડીને બજારમાં વેંચવાને બદલે તેમણે તેમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂં કરી દીધું છે. કાચા માલના ભાવ કરતાં ઓર્ગેનિક ગોળનું વેચાણ કરી મિતેષ પટેલ સારી એવી આવક મેળવી રહ્યાં છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે મિતેષ પટેલે સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પુરું પાડ્યું છે.
