ઓસ્ટ્રેલિયાથી તાપી નદીના કિનારે આવ્યા મોટી સંખ્યામાં પક્ષીઓ, ઉમટ્યા શહેરીજનો
Live TV
-
વિદેશમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં હાલ દર વર્ષ કરતા શિયાળો વધુ કાતિલ હોવાને લઈને સુરતમાં ઓસ્ટ્રેલિયાના પ્રમાણમાં શિયાળો હુંફાળો થતા મૌસમની મજા માણવા હજારો કિલોમીટર નું અંતર કાપી વિદેશી પક્ષીઓ સૂર્યપુત્રી તાપી નદીના તટે પ્રજનન વિતાવવા આવી રહ્યા છે.
ખાસ વાત આ છે કે આ વખતે આ પક્ષીઓની સંખ્યા દર વર્ષની સરખામણીમાં બે ઘણી થઈ ગઈ છે. સુરતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ પક્ષીઓ પણ પ્રજનન કરવા દૂર દેશથી સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટા ઝુંડમાં જોવા મળી રહ્યા છે. આ ઓસ્ટ્રેલિયન પક્ષીઓ શહેરીજનો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીનો તટ આમ તો રાજ્યમાં ઘણો પ્રખ્યાત છે. તાપી નદીના તટે અનેક ધાર્મિક પૂજાવિધિઓ સંપન્ન થાય છે. સુરતવાસીઓ માટે પણ આ સ્થળ ઘણું મહત્વનું માનવામાં આવે છે. એવામાં આ વિદેશી પક્ષીઓના આગમનથી તાપી નદીની શોભામાં પણ વધારો થયો છે.
રાજ્યમાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓની મોટું ઝુંડ અહી જોવા મળી રહ્યું છે. હજારો કિલોમીટરનું અંતર કાપી આ પક્ષીઓએ સૂર્યપુત્રી તાપી નદીનું તટ પ્રજનન માટે વધુ પસંદ કર્યું છે. આશરે 2500 થી 3000 પક્ષીઓ તાપી નદીની શોભામાં વધારો કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાથી આવતા આ પક્ષીઓને "બ્લેક હેડેડ ગલ" અને "બ્રાઉન હેડેડ ગલ" તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષીઓને નિહાળવા શહેરીજનો વહેલી સવારથી આવી રહ્યા છે, સાથે જ ગાંઠિયા અને લોટ જેવો ખોરાક આ પક્ષીઓને આપી રહ્યા છે. જે ખોરાક માટે પક્ષીઓનું મોટું ઝુંડ વ્યક્તિની આજુબાજુ ફરી વળે છે. સામાન્ય રીતે પક્ષીઓ માનવથી દૂર રહેતા હોય છે ,પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવેલા આ પક્ષીઓના ઝુંડને માનવનો પણ કોઈ ડર ના હોય તેમ ખોરાક માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.
