કચ્છના નાના રણમાં અગરિયાઓને સરકારે આપેલા પાંચ હજાર સોલાર પંપથી થયો મોટો આર્થિક લાભ
Live TV
-
કચ્છના નાના રણની અંદર મીઠાનો ઉદ્યોગ મોટા પાયે છે. વર્ષના આઠ મહિના કાળઝાળ ગરમી અને હાડ થીજાવી દે તેવી ઠંડીમાં રણકાંઠાના ગામડાના અગરિયાઓ તેમના પરિવાર સાથે રણમાં ઝુંપડા બાંધીને, જમીનમાં બોર કરી તેમાંથી પાણી ખેંચીને મીઠું પકવતા હોય છે. એક જમાનામાં રણમાં કૂઈમાંથી ઢંકવા દ્વારા બ્રાઈન ખેંચીને મીઠું પકવવામાં આવતું હતું. અને હવે અહીંના અગરિયાઓ ડીઝલ એન્જિન દ્વારા બ્રાઇન ખેંચી મીઠું પકવે છે. તેઓ એક દિવસમાં સરેરાશ ૯ થી ૧૨ લિટર ડીઝલનો વપરાશ કરતા હોય છે, જેની કિંમત અંદાજીત ૨ લાખ રૂપિયા જેટલી થતી હોય છે. પરંતુ સૌનો સાથ સૌનો વિકાસના ધ્યેય મંત્રને વરેલી રાજ્ય સરકારે આવા પરિવારો માટે સોલાર પંપ સિસ્ટમ યોજના ઉપલબ્ધ બનાવી તેમને ડીઝલના ખર્ચમાંથી મુક્તિ અપાવી છે. સરકાર દ્વારા સોલાર આપવામાં આવતા મીઠું પકવતા અગરિયા ભાઈ બહેનોને આર્થિક ફાયદો થયો છે. મીઠું પકવતા અગરિયા ભાઈ બહેનોને વધુ પડતો ખર્ચ ડિઝલ પાછળ થતો હતો. તે બચી જાય છે. ત્યારે હવે સીઝનમાં એક અગરિયાને એક લાખ જેટલો ફાયદો થઈ રહ્યો છે. આ રણની અંદર પાંચ હજાર જેટલા સોલાર સરકાર દ્વારા આપવામાં આવેલ છે. ત્રણ હોર્સ પાવરના અઢી લાખ રૂપિયા અને સાડા ત્રણ લાખ પાંચ હોર્સ પાવરની કિંમત છે. આ સોલાર સિસ્ટમની અંદર અગરિયાઓને 20 ટકા રકમ ભરવાની હોય છે. બાકીની 80 ટકા રકમ સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.
