કટાર લેખક અને પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું 100 વર્ષની વયે નિધન, PM અને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Live TV
-
ગુજરાતી ભાષાના જાણીતા કોલમિસ્ટ, રાજકીય સમીક્ષક અને લેખક નગીનદાસ સંઘવીનું અસ્થમાના તીવ્ર હુમલાને કારણે 100 વર્ષની વયે દુઃખ અવસાન-પત્રકારત્વ-લેખન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન બદલ પદ્મશ્રીથી કરાયા હતા સન્માનિત-મૃત્યુ ની અંતિમ પળો સુધી તેમનું લેખન કાર્ય અવિરત રહ્યુ ચાલુ
ગુજરાતના જાણીતા કટાર લેખક, સમીક્ષક, વિવેચક અને પદ્મશ્રીએવોર્ડથી સન્માનિત એવા નવીનદાસ સંઘવીનું નિધન થયું છે. અસ્થમાના તીવ્ર એટેક બાદ સુરત ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 2019માં નવીનદાસ સંઘવીને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1920માં જન્મેલા નવીનદાસ સંઘવીએ પોતાનું સમગ્ર જીવન પત્રકારત્વ માટે ન્યોછાવર કરી દીધું હતું. 10 માર્ચ 2020ના રોજ તેમને 100 વર્ષ પુરા થતાં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે 100 વર્ષની ઉંમરે પણ તેમણે અનેક છાપાઓ તેમજ મેગેઝીનમાં પોતાની કલમનો અવિરત પ્રવાહ વહેતો રાખ્યો હતો. કદાચ તેઓ ભારતના સૌથી મોટી વયના કાર્યરત પત્રકાર અને કોલમિસ્ટ હતા. તેમની કારકીર્દીની વાત કરીએ તો, 1950 થી લઈને 1982 સુધી મુંબઈની અલગ અલગ કોલેજોમાં તેમણે રાજકારણ અને ઈતિહાસના પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપી હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ તેમણે ગુજરાતના વિવિધ છાપાઓમાં અને મેગેઝીન્સમાં કોલમ લખવાની શરૂઆત કરી હતી. તેમણે દેશ અને દુનિયાની રાજનીતિ પર 25 કરતાં પણ વધારે પુસ્તકો લખ્યાં છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ટવીટ કરી કહ્યું કે "શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના.ઓમ શાંતિ !! "
તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવીનદાસ સંઘવીના દુખદ અવસાન અંગે ટવીટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી. દુરદર્શન પરીવાર પણ ભાવભિનિં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે.
