કમલમ ફળની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ
Live TV
-
થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા ખેત સાહસ રૂપે કરી છે.
હવે રાજ્યના બાગાયત વિભાગે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ આ પૌષ્ટિક ફળની ખેતી કરનારા કૃષિ સાહસિકોને યોજનાના નિર્ધારિત માપદંડો પ્રમાણે સહાય આપવાનું શરૂ કર્યું છે.કમલમ ફળનો વાવેતર વિસ્તાર વધારવાના હેતુસર સહાય ની યોજનામાં આ ફળ નો સમાવેશ કરવામાં આવ્યો.
અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં આ નવા પાકનો સમાવેશ થતો ન હતો એવી જાણકારી આપતાં વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે,હાલમાં આ ફળપાક માટે વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવાના ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે.
તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે.પ્રતિ હેક્ટર રૂ.2.5 લાખ નિર્ધારિત ખર્ચ એકમ ના 50 ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે.એટલે કે મહત્તમ એક હેક્ટરમાં વાવેતર હોય તો રૂ.1.25 લાખની સહાય યોજના હેઠળ મળે.અને મહત્તમ બે હેક્ટરમાં વાવેતર માટે આ સહાય મળી શકે.
તેમણે જણાવ્યું કે,આ ફળપાક ની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાનુ આ પહેલું વર્ષ છે.જિલ્લાના કરજણ,ડભોઇ,વાઘોડિયા અને પાદરા તાલુકાઓના ડ્રેગન ફ્રૂટ પકવતા 10 જેટલા ખેડૂતો એ સહાય મેળવવા અરજી કરી છે.બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી આપવામાં આવી રહી છે.
ડભોઇ તાલુકાના નાના હબીપુરા ગામના હરમાનભાઇ પટેલે એક સાહસ તરીકે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી અને નોંધપાત્ર સફળતા મેળવી છે.આસપાસ ના વિસ્તારના લોકો તેમના ખેતરે થી આ ફળ ખરીદી જાય છે.
તેઓ સહાય યોજના શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને બાગાયત ખાતાને અભિનંદન આપે છે. તેઓ જણાવે છે કે, આ ફળની ખેતી કરવા માટે સિમેન્ટ ના થાંભલા નું માળખું બનાવવું પડે છે.એટલે શરૂઆત નો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય,તેથી મોટા ખેડૂતોને આ ખેતી પોસાય.પરંતુ સહાય ની યોજના ને લીધે આર્થિક ભારણ માં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે.તેઓ કહે છે કે,યોજનાઓ શક્ય તેટલી સરળ રાખવા થી ખેડૂતો સારી રીતે લાભ લઈ શકે છે.
નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા એ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ ફળ ની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવે છે.રસ ધરાવતા ખેડૂતો વિગતવાર જાણકારી મેળવવા રાવપુરા પોલીસ ચોકી પાછળ આવેલી બાગાયત ખાતાની અને તેની પાસે જ વન ભવનમાં આવેલી સામાજિક વનીકરણ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે.
બાગાયત ખાતાની સહાય યોજનાઓ માટે હાલમાં https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા.31 મી જુલાઇ સુધી અરજીઓ કરી શકાશે.
