કોરોનાકાળમાં કામદારોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવાની મોરબીના ઉદ્યોગકારોની પહેલ
Live TV
-
કોરોનાની મહામારીના કારણે છેલ્લા આઠ માસથી શાળા-કોલેજો બંધ છે. જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. તેમાંય ગરીબ વર્ગના બાળકો મોબાઈલના અભાવે ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. ત્યારે આવા બાળકોને શિક્ષણ મળે અને તેમનું ભાવિ ન બગડે તેની ચિંતા મોરબીના બે ઉદ્યોગપતિ દ્વારા કરાઈ છે. જેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે. મોરબીના હિતેશભાઈ દેત્રોજા તથા મનીષભાઈ ગડારા લીઓલી નામની કંપની ધરાવે છે. તેમને ત્યાં 350 કામદારો કામ કરે છે. આ કામદારોના 60 જેટલા બાળકો કોરોનાકાળમાં શિક્ષણથી વંચિત હતા. તેથી આ બંને ઉદ્યોગકારોએ કામદારોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું છે. જે અંગે તેમણે એક ક્લાસ રૂમ બનાવી બે શિક્ષિકા બહેનોને રાખીને બે વિભાગમાં 30-30 બાળકોને ભણતર આપવાનું શરૂ કર્યું છે. મોટાભાગના બાળકો પરપ્રાંતિય હોવાથી તેમને ભાષામાં તકલીફ પડતી હતી. પરંતુ હવે પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા એ સમસ્યા પણ હલ થઈ ગઈ છે. આ બાળકોને રોજ સવારે ફ્રુટ અને સાંજે સૂકો નાસ્તો અપાય છે. તેમજ દર પંદર દિવસે તેમના કોરોના ટેસ્ટ પણ કરાય છે.
