ખેડાઃ મહિલા ખેડૂતો-પશુપાલકો માટે તાલિમ કાર્યક્રમનું આયોજન
Live TV
-
ખેડા જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂત બહેનો માટે આત્મા પ્રોજેકટ અને ખેડૂત તાલિમ કેન્દ્ર, ઠાસરાના સંયુકત ઉપક્રમે જિલ્લાની મહિલા ખેડૂતો-પશુપાલક બહેનોના હિતમાં અને પશુપાલન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનું માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ડાકોર ખાતે કૃષિ મેળા અને પશુપાલન પરીસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1000 જેટલી મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓએ સંસ્કૃતિના જતન સાથે આર્થિક રીતે પગભર થવાનું છે. ખેતી અને પશુપાલનમાં અદ્યતન ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક માર્ગદર્શનના ઉપયોગ દ્વારા પશુપાલન કરવામાં આવે તો દૂધ ઉત્પાદન બમણું કરી શકાય છે. ખેડૂત બહેનો પશુપાલનને પ્રાધાન્ય આપે તો કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરે અને બહેનો પોતે પગભર થઇ શકે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ર્ડા.ભરતભાઇ દેવાળીયાએ પણ પશુઓને નિયમિત આહાર, લીલુ-સૂકુ ઘાસ, દાણ, પાણીની સગવડતા વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રગતિશીલ અને સ્પર્ધાત્મક રીતે વિજયી થયેલ પશુપાલક બહેનોનું સન્માન કરાયું હતું.ઉપરાંત કૃષિ વિભાગની યોજનાઓ અને આત્મા પ્રોજેકટ અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકો દ્વારા પણ બહેનોને કાર્યક્રમને અનુરૂપ તેમજ સરકાર દ્વારા ખેડૂતોને પશુપાલક બહેનો માટેની વિવિધ યોજનાઓ અને તેની કામગીરી અંગેની માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
