ખેડૂતોની આવક બમણી કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજય સરકાર પ્રયત્નશીલ
Live TV
-
કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેડુતોને સફેદ મુસળીની ખેતી કરવામાં મળી સફળતા.
રાજ્ય સરકાર દ્વારા આદિવાસી ખેડુતોને વિશેષ સહાય : ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧.૪૦ લાખ મુજબ રૂા.૨૫.૩૫ લાખની સહાય ચુકવાઇ.
ગુજરાત સરકાર ખેડુતોની આવક બમણી કરવામાં સતત પ્રયત્નશીલ છે તે અંતર્ગત છેલ્લા 10 વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. કૃષિ મહોત્સવમાં વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોને કૃષિને લગતી વિવિધ પદ્ધતિનું માર્ગદર્શન મળે છે. આ વર્ષે સફેદ મુસળીના પાકના વાવેતરને સફળતા મળી છે. ડુંગરાળ રેતાળવાળા પ્રદેશમાં થતી સફેદ મુસળીની વાર્ષિક માંગ 300 થી 700 ટન જેટલી છે. દિન પ્રતિદિન સફેદ મુસળીની માંગ વધી રહી છે. તેથી ખેડૂતો મુસળીની ખેતી તરફ વળ્યા છે. ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા સફેદ મુસળીના સંવર્ધન અને સંરક્ષણ માટે આદિવાસી ખેડુતોને 30 ટકા સહાય મળી છે. જે હેઠળ પ્રતિ હેક્ટરે રૂ 2,30,259 પ્રમાણે રૂ 25,35,840 નો લાભ ખેડુતોને મળ્યો છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર, સાકળપાતાળ, પરડી, પીપરી, વઘઇ, વાસદા, વલસાડ, દેવસર, સાંમગણ જેવા અંતરિયાળ ગામોમાં મુખ્યત્વે સફેદ મુસળીની ખેતી થાય છે. સફેદ મુસળીને 8 થી 9 માસ જાળવણી કર્યા બાદ ઘરઆંગણે જ ખેડુતોને આર્થિક લાભ મળે છે. 614 જેટલા ખેડુતોએ 10,298 કિલો સફેદ મુસળીનું ઉત્પાદન કરી રૂપિયા 1,77,93,200ની આવક મેળવી છે. સરકારની સહાય અને વેચાણમાંથી મળેલી આવક કુલ રૂપિયા 2,03,29,040 થઇ છે. આ ઉપરાંત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા આંબળા, કુંવારપાઠુ, ઇસબગુલ, ડોડી, તુલસી, બ્રાહ્મી આસળીયો જેવા પાક ઉપર 30 થી 75 ટકા સુધીની સહાય ચૂકવી છે.
ઔષધીય વનસ્પતિ ઉછેર કરનાર ખેડુતોને ખર્ચમાં સહાય મેળવવા ઉપરાંત પોતાની રીતે જ ઔષધીય ઉત્પાદનો સીધા જ વેચી શકે છે. ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે 16 નવી વનસ્પતીના ઉછેરનું આયોજન કરવામાં આવ્યુ છે.
▪ડુંગરાળ પ્રદેશમાં થતી સફેદ મુસળીની વૈશ્વિક કક્ષાએ ડીમાન્ડ
શક્તિવર્ધક સફેદ મુસળી ડુંગરી કૂળનો નાનો છોડ છે. તેના મૂળની છાલ કાઢ્યા બાદ રહેતાં સફેદ ભાગને મુસળી કહે છે. આયુ્ર્વેદમાં સફેદ મુસળીને વીર્યવર્ધક, વાજીકરણ, પુરુષત્વવર્ધક દવાઓમાં ગણવામાં આવે છે. ડુંગરાળ નિતારવાળા પ્રદેશમાં થતી સફેદ મુસળીની વિશ્વકક્ષાએ અંદાજે વાર્ષિક ડીમાન્ડ 300 થી 700 ટન જેટલી છે. દિન પ્રતિદિન તેની માંગ વધી રહી છે અને તે કારણે તેના ભાવ પણ વધી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, સફેદ મુસળી મોટાભાગે ફક્ત જંગલ વિસ્તારોમાં કુદરતી રીતે ઉગેલ હોય તેને કાઢવામાં આવે છે. તેના મુળ,કંદ ઉપયોગમાં લેવાતાં હોઇ તેના છોડને જમીનમાંથી પુરેપુરો ઉપાડી લેવામાં આવે છે. ખાસ કરીને તેના બીજ આવે તે પહેલાં તેને દૂર કરવામાં આવતી હોઇ તેનો ફરીથી કુદરતીઉગાવો શક્ય બનતો નથી. પરિણામે આ વનસ્પિત જંગલોમાં હવે ખુબ જ ચિંતાજનક રીતે ઘટી જવા પામેલ છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ યાદીમાં સફેદ મુસળીને ક્રીટીકલી એન્ડેન્જર્ડ (ખુબજ ભય હેઠળ) ની વનસ્પતિની યાદીમાં મુકાયેલી છે એટલે કે લુપ્ત થવાના ભય હેઠળ છે.
