ગુજરાત:કચ્છનાં ખાવડા વિસ્તારના માટી કામની નામના રાષ્ટ્રીય ફલક પર
Live TV
-
કચ્છનાં લોકોની ખુમારી અને કળાની બરાબરી કોઈ કરી શકે એમ નથી. આજે લોકો રસોઈ તેમજ જમવા માટે ડિનર સેટનો ઉપયોગ કરે છે પણ જો તમને માટીના ડિનર સેટ મળે તો જમવાનો કેવો જલસો પડી જાય.આવા માટી કામ માટે કચ્છનાં ભુજ તાલુકાના ખાવડા ગામમાં રહેતા સારા બાઈ સમગ્ર પંથકમાં જાણીતા છે.
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી પરંપરાગત રીતે માટી કામ સાથે સંકળાયેલા સારાબાઈ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ઘરે પણ કામ કરી ચૂક્યા છે. સારાબાઈ જણાવે છે કે તેઓ પહેલા માત્ર ગામમાં માટી કામ કરી માટલા અને અન્ય વસ્તુઓ બનાવતા હતા બાદમાં જયપુર જવાની તક મળી હતી ત્યાંથી તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આવાસમાં કામ કરવાની તક મળી,10 દિવસ માટે જવાનું હતું પણ સાડા ત્રણ મહિના સુધી કામ કર્યું અને ત્યારબાદ તકો મળતી ગઈ. દિલ્હી મ્યુઝિયમ,ભોપાલ સહિતના જુદા જુદા સ્થળોએ માટી કલા રજૂ કરી અને અનેક એવોર્ડ મેળવ્યા છે. ઘણી મહેનત બાદ આજે આ મુકામ પર પહોંચનાર સારાબાઈ માટીમાંથી ડિનર સેટ,થાળી,વાડકા, ચમચી, ગ્લાસ સહિતની વસ્તુઓ બનાવી જાણે છે, વધુમાં તેમણે માટીના નાઈટ લેમ્પ પણ બનાવ્યા છે. ક્ચ્છ રણોત્સવમાં ફરવા આવતા લોકો અચુક સારાબાઈની મુલાકાત લઈ વસ્તુઓની ખરીદી કરે છે. જણાવી દઇએ કે, તાજેતરમાં રશ્મિ રોકેટ ફિલ્મના શુટીંગ માટે કચ્છની મહેમાન બનેલી તાપસી પન્નુંએ પણ સારાબાઈની મુલાકાત લઈ માટીની બનાવટની કેટલીક ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી.
