ગોંડલના માત્ર 7 ધો. ભણેલા ખેડૂતે ખેતીમાં કાઢ્યું કાઠું, મેળવ્યા અનેક એવોર્ડ
Live TV
-
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય, આ યુક્તિને ગોંડલના એક ખેડૂતે ખરા અર્થમાં સાર્થક કરી છે. આ ખેડૂતે ગાયપાલન અને સજીવ ખેતી કરીને અનેક ખેડૂતો માટે મિસાલ કાયમ કરી છે.
કોમ્પ્યુટર ચલાવતા આ ખેડૂતનું નામ છે રમેશ રૂપારેલિયા. ગોંડલના કોટડાસાંગાણી તાલુકામાં આવેલ સાંઢવાયા ગામના રમેશભાઈ માત્ર 7 ધોરણ સુધી ભણેલા છે. ખેતીના વ્યવસાયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમણે દેશી ગાયના ગૌમુત્ર અને છાણથી ખેતી શરૂ કરી. જેમાં તેમણે ધીમે ધીમે સફળતા મેળવી.
વર્ષ 2010માં 25 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કરી 3.5 મિલિયન ડુંગળીનું ઉત્પાદન મેળવ્યું હતું. સજીવ ખેતી માટે તેમને રાજ્ય સરકાર દ્વારા અનેક એવોર્ડ મળ્યા છે. તેમણે સજીવ ખેતી અને આધુનિક ટેકનોલોજીને એક સાધન બનાવીને ડેરી કાર્ય પણ શરૂ કર્યું છે. તેમની પાસે હાલ 150થી વધુ ગીર ગાય છે.
ગૌપ્રેમી રમેશભાઈ પાસે અત્યારે ડોક્ટર, લેખક, પાયલોટ અને વૈજ્ઞાનીક જેવા અનેક લોકો ગૌપાલનની ટ્રેંનિંગ લેવા આવે છે. રમેશભાઈ હાલ 12 ભાષાઓમાં એક એપ્લિકેશન તૈયાર કરી રહ્યા છે. જેના દ્વારા તેઓ સજીવ ખેતી તેમજ ગાય આધારિત ખેતીમાં આવતી સમસ્યાઓ અને તેના નિરાકરણોની ખેડૂતોને તાલીમ આપશે. હાલ આ પ્રગતિશીલ ખેડૂત 123 દેશોમાં કાર્બનિક ખેતીની પેટા પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે તેમજ ખેડૂતોને કાર્બનિક ખેતી પર તાલીમ આપે છે. સાથે જ ખેડૂતો માટે યુટ્યુબ ચેનલો પણ ચલાવે છે.
રમેશભાઈને વર્ષ 2015માં રાજ્યના શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ મળ્યો હતો અને વર્ષ 2014માં રાજ્યના શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ મળ્યો હતો. હાલ તેઓ ગોંડલ મુકામે શ્રી ગીર ગૌ કૃષિજતન નામે એક સંસ્થા પણ ચલાવી રહ્યાં છે. સાથે જ અનેક ખેડૂતોને સજીવ ખેતી અને ગાય સંવર્ધન માટે પ્રોત્સાહન પણ આપે છે.
