જાંબુઘોડા અભ્યારણ્યની સુંદરતા: જુઓ એક ઝલક
Live TV
-
શિયાળાની મોસમમાં એક જંગલ લીલુંછમ્મ......
જ્યાં બારેમાસ બજે કુદરતની સરગમ...
મધ્ય ગુજરાતની હરિયાળી શોભા છે અને પ્રકૃતિનું
નજરાણું છે જાંબુઘોડાનું પાઘડીપને પથરાયેલું જંગલ....
અને આ અદભૂત જંગલ અંગે કહી શકાય કે...
ધરતીને ધાવીને અહીં ઉછરી છે લીલોતરી...
મળવા જો ચાહો તો આજે જ લખી દો કુદરતના નામે કંકોતરી....
આલેખનઃ સુરેશ મિશ્રા
અંદાજે ૧૩૦ ચો.કિમી વિસ્તારમાં પથરાયેલા આ પ્રમાણમાં સારા એવા ગીચ જંગલને પ્રકૃતિ અને વન્ય જીવોના સંરક્ષણ માટે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે. અહીંના જંગલોમાં રાજવી સ્થાન દીપડાનું છે અને સાગટાળા રતન મહાલ થી કેવડી સુધીના ભારતીય રીંછ - ઇન્ડિયન સ્લોથ બેરનો પરિભ્રમણ વિસ્તાર - કોરિડોર અહીં થઈને પસાર થતો હોવાથી અગત્યના દરબારી તરીકે રીંછનો વન્ય પ્રાણી વૈવિધ્યમાં સમાવેશ થાય છે.
કોઈ નદીનો બંધ ન હોવા છતાં જે કડા ડેમ તરીકે ઓળખાય છે એવું નાનકડું અને સિંચાઇ સુવિધાનો મર્યાદિત લાભ આપતું કડા (ડેમ) જળાશય આ આખા હરિયાળી થી છલકાતા વિસ્તારનું હૃદય છે અને અડાબીડ વનરાજી એનો ધબકાર છે.
કડા જળાશયના કાંઠાની લીલી સુંદરતા વચ્ચે સુંદરીના ગળાના હાર જેવા કડા અતિથિ ગૃહની મનોરમ છબી એક વાર જે જુવે એના મનમાં ઘર કરી જાય છે.તો અહીં ની કેડીઓ અને લીલા અને ઊંચા વૃક્ષોની હારમાળા વસંતના પગલાં ની યાદ અપાવે છે.
આ વિસ્તારની હરિત સંપદાને કાળજીપૂર્વક સાચવવા અને વધારવા માટે વન્ય જીવ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક એમ.એલ. મીના, અહીંના પરિક્ષેત્ર વન અધિકારી એચ.ડી.રાઓલજી અને સમગ્ર ટીમ જાંબુઘોડાના વન કર્મયોગીઓ હાર્દિક અભિનંદનને પાત્ર છે.
