જામકંડોરણાઃ વ્યવસાયે ડૉક્ટર એવા ખેડૂત વળ્યા ઑર્ગેનિક ખેતી તરફ
Live TV
-
ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણાના બોરિયા ગામે એક વ્યક્તિએ ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી કરી છે. વ્યવસાયે ડોક્ટર એવા હરદાસભાઈ સાવલિયાને ખેતી પ્રત્યે અપાર પ્રેમ હોવાથી તેમણે પોતાની ૨૦ વિઘા જમીનમાં ૪૫૦ જેટલા ખારેકના રોપાનું વાવેતર કર્યું છે.
જેમાં ખારેકની બધી જ જાતના રોપાઓ વાવ્યા છે. આ ખેતીમાં તેઓ કોઈપણ પેસ્ટીસાઇઝ કે કેમિકલ દવાનો ઉપયોગ કરતાં નથી. માત્ર જીવામૃત કે જે ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે તેનો જ ઉપયોગ કરે છે. આ પ્રકારની ખેતીમાં તેમને ખર્ચ પણ ઓછો આવે છે તેમજ મહેનત પણ ઓછી જાય છે. સાથે જ ઉત્પાદન બમણુ મળી રહ્યું છે.
પ્રથમ વર્ષે તેમણે એક ખારેકના ઝાડમાંથી 40 કિલો, બીજા વર્ષે 55 કિલો અને ત્રીજા વર્ષે 100 કિલો ઉત્પાદન મેળવ્યું છે. તેમની મોટાભાગની ખારેક વિદેશમાં જ નિકાસ થાય છે. આ ખેતી માટે તેઓ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આમ તેઓ અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
